-> “રન ફોર યુનિટી”માં મહાનુભાવોએ ભાગ લઈ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નો સંદેશ આપ્યો :
ગરવી તાકાત મહેસાણા : અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 31 ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે મહેસાણા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “રન ફોર યુનિટી” દોડનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે શૌર્યવીર સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારત બનાવવામાં તનતોડ મહેનત કરી છે.

તેમણે ઉમેર્યું હતું કે આઝાદી વખતે દેશ અનેક ટૂકડામાં વહેંચાયેલો હતો, તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરીને એક ભારતનું નિર્માણ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અખંડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પમાળાથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા યાત્રામાં ભાગ લેનાર તમામે રાષ્ટ્રીય એકતા અંતર્ગત શપથ લીધા હતા.

આ તકે કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે મુકેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, રાજેન્દ્ર ચાવડા, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તમામ મહાનુભાવોએ “રન ફોર યુનિટી” દોડમાં ભાગ લઈ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નો સંદેશ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, “રન ફોર યુનિટી” દોડ મહેસાણા દૂધ સાગર ડેરી પાસેના સર્વિસ રોડથી શરૂ થઈને રાધનપુર ચાર રસ્તાથી પસાર થઈ મોઢેરા ચાર રસ્તા ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા સુધી યોજાઈ હતી. આ યાત્રામાં પૂર્વ ધારાસભ્યશ્રી રમણભાઈ પટેલ, અધિક કલેકટરશ્રી જશવંત કે. જેગોડા, જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીશ્રી કિલ્લોલબેન સાપરીયા, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી, જિલ્લાના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ખેલાડીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડસ, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ, મહેસાણાવાસીઓ તેમજ સર્વ રાષ્ટ્રપ્રેમી પ્રજાજન સહભાગી બન્યા હતા.



