ગરવી તાકાત મહેસાણા-08
મહેસાણામાં રાધનપુર ચોકડી અને દૂધસાગર ડેરી પાસે યમરાજ દેખાયા હતા. અસલી નહીં, નકલી યમરાજ. રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. ‘ મારી ગદાનો પ્રહાર ખાલી હેલ્મેટ જ રોકી શકે છે, હું તમને ગમે ત્યાં મળી શકું છું, એટલે નિયમોનું પાલન કરો અને મારી સાથે મિટિંગ ના થઇ જાય એનું ધ્યાન રાખો’ નકલી યમરાજના આ શબ્દો દૂધસાગર ડેરીના ગેટ અને રાધનપુર ચોકડી મહેસાણા ખાતે વાહનચાલકોએ સાંભળ્યા હતા.
ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા વાહનચાલકોને નકલી યમરાજ દ્વારા ટ્રાફિક નિયમ પાલન કરવા ગદા બતાવીને ટ્રાફિક નિયમના પાઠ ભણાવાયા હતા અને ટ્રાફિક નિયમ પાળવા સમજણ આપવામાં આવી હતી. પ્રથમવાર મહેસાણામાં નકલી યમરાજ લાવી લોકોને ટ્રાફિકના પાઠ ભણાવવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિક નિયમ પાળનારા નાગરિકોનું RTO દ્વારા ગુલાબ અને ચોકલેટ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
નેશનલ રોડ સેફ્ટી વર્ષ અંતર્ગત આજે નવતર પ્રયોગ ARTO સ્વપ્નિલ પટેલે જણાવ્યું હતું કે નેશનલ રોડ સેફ્ટી વર્ષ 2025 અંતર્ગત અમારા દ્વારા અવેરનેસ લાવવા માટે હાલમાં જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. એના સંદર્ભે આજે નવતર પ્રયોગ કર્યો છે. મોટા ભાગે લોકો ટ્રાફિકના નિયનોનું પાલન નથી કરતા. સ્કૂલ લેવલે અવેરનેસના પ્રોગ્રામો થયા છે, ત્યાર બાદ આજે રોડ પર પ્રોગ્રામો કરવા આવ્યા છીએ. જે લોકો નિયમોનું પાલન કરે છે, હેલ્મેટ પહેરે છે એવા લોકોનું ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી અભિવાદન કરી રહ્યા છીએ.
લોકો ગંભીરતા લે, મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે ARTOએ વધુમાં જણાવ્યું હતું કે જે લોકો આનું પાલન નથી કરતા કે ગંભીરતા નથી દાખવતા, તેમના માટે યમરાજ લાવવામાં આવ્યા છે. એમાં યમરાજ ગંભીરતા સમજાવે છે અને કહે છે જે આજે હું અહીં ચોકડી પર ઊભો છું, આજે મારી પાસે નકલી ગદા છે, પણ બની શકે 5 કે 10 મીટર આગળ અસલી યમરાજ ઊભા હોઈ શકે, તેમની પાસે પણ અસલી ગદા હોય છે અને ક્યારે કોઈ બનાવ બની જાય એની કોઈ નિશ્ચિતતા નથી. લોકો ગંભીરતા લે, મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. ટ્રાફિક નિયમ નહિ પાળો તો કોઈ બનાવ બનશે તો ગંભીર ઇજાઓ કે જીવલેણ ઘટના બની શકે છે. એના માટે યમરાજ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
વિવિધ રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માસ -2025ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં પણ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી(આર.ટી.ઓ. ) દ્વારા નાગરિકોની જાગૃતિ માટે પ્રતિદિન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે પૈકી આજે વિવિધ રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમો વચ્ચે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા લોકો માટે આર.ટી.ઓ., મહેસાણાએ નવતર પ્રયોગ કર્યો હતો. એમાં પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી(આર.ટી.ઓ. )ના કર્મચારીએ યમરાજની વેશભૂષા ધારણ કરી ગદા લઈ આર.ટી.ઓ., મહેસાણાના અધિકારીઓ સાથે રહી હેલ્મેટ અને સીટબેલ્ટ વિનાનાં વાહનોને રસ્તા પર રોક્યાં હતાં.
દૂધસાગર ડેરીના ગેટ અને રાધનપુર ચોકડી ખાતે પ્રયોગ કરાયો આમ, વાહનચાલકોમાં સલામત અને સાવચેતીના સંદેશ દ્વારા માર્ગ સલામતીના પાઠ ભણાવવાનો હકારાત્મક અભિગમનો પ્રયોગ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા આજે સવારે દૂધસાગર ડેરીના ગેટ અને રાધનપુર ચોકડી મહેસાણા ખાતે કરાયો હતો, જેમાં લોકોએ હસતાં હસતાં પોતાની ભૂલ સ્વીકારી હતી તેમજ રોડ પર યમરાજની હાજરીથી સૌકોઈમાં કૌતુક ફેલાયેલું જેવા મળ્યું હતું.
લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો – આર.ટી.ઓ. આજે રોડ પર આર.ટી.ઓ. ની ટીમ સાથે એ.આર.ટી.ઓ. અધિકારી એસ.એમ.પટેલ પણ હાજર રહ્યા હતા અને રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરતા નાગરિકોને ફૂલ અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિવિધ કાર્યક્રમો વચ્ચે આ પ્રયોગ સફળ નીવડ્યો છે, લોકોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને યમરાજની હાજરીથી ગંભીર વિષયને હળવી શૈલીમાં પીરસવાનો પ્રયાસ કરાયો છે, સાથે જ લોકોએ પોતાની રોડ સેફ્ટી માટે જાતે જાગ્રત થાય તો જ રોડ સુરક્ષિત થશે અને એના માટે ટ્રાફિક નિયમો ફરજિયાત પાલન કરવા પડશે.
દૂધસાગર ડેરીના સેફ્ટી અધિકારીઓએ રેડિયમ રિફલેક્ટર વિનાનાં વાહનોને રિફ્લેક્ટર લગાવવાની કામગીરી કરી હતી અને આર.ટી.ઓ. અને ટ્રાફિક-પોલીસની ટીમને સહયોગ આપ્યો હતો.