ઓપરેશન ગંગાજળ’ હેઠળ મહેસૂલ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
ગરવી તાકાત ઃ 6-9-2026
મહેસાણાના સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ્સ (વર્ગ-1) અને ભાવનગરના જમીન દફતર નિરીક્ષક (વર્ગ-2) સામે સરકારનો લાલ આંખ કરતો આકરો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં પારદર્શિતા જાળવી રાખવા તેમજ ફરજ દરમિયાન ગેરરીતિ, અનિયમિતતા અને બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે આકરાં પગલાં ભરવાની ઝુંબેશ તેજ ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર અને વહીવટી શિથિલતાને ડામવા માટે શરૂ કરાયેલા બહુચર્ચિત ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત રાજ્ય સરકારે વધુ એક વખત કડક વલણ અખત્યાર કરીને મહેસૂલ વિભાગ હેઠળ ફરજ બજાવતા બે મહત્વના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવાનો મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આ બંને અધિકારીઓ જમીન દફતર અને લેન્ડ રેકર્ડ્સ જેવી અતિ સંવેદનશીલ સરકારી કામગીરી સાથે સીધા સંકળાયેલા હોવાથી સરકારના આ નિર્ણાયક પગલાંથી સમગ્ર મહેસૂલ આલમમાં જોરદાર ખળભળાટ મચી ગયો છે.
સરકાર દ્વારા લેવાયેલા સત્તાવાર નિર્ણય અનુસાર, ભાવનગર ખાતે જમીન દફતર નિરીક્ષક તરીકે કાર્યરત વર્ગ-2ના અધિકારી કે.એ. પડ્યા સામે કાર્યવાહીનો કોરડો વીંઝાયો છે અને તેમને પોતાની હાલની ફરજ પરથી તાકીદે મોકૂફ કરી દેવામાં આવ્યા છે. આ જ ઝુંબેશના ભાગરૂપે મહેસાણા ખાતે વર્ગ-1ના ઉચ્ચ પદ પર ફરજ બજાવતા સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ્સ બિકીશા પટેલ સામે પણ સરકારે લાલ આંખ કરીને તેમને તુરંત અસરથી ફરજ મોકૂફ કરવાનો આકરો નિર્ણય લીધો છે. વહીવટી તંત્રમાં એક જ સમયે વર્ગ-1 અને વર્ગ-2ના બે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામે એકસાથે થયેલી આ દંડાત્મક કાર્યવાહીને ખૂબ ગંભીર અને નિર્ણાયક ગણવામાં આવી રહી છે.
જમીન અને મહેસૂલ વિભાગ સીધી રીતે સામાન્ય નાગરિકો તેમજ ખેડૂતોના દૈનિક હિતો અને હક્કો સાથે જોડાયેલો વિભાગ હોવાથી અહીં પારદર્શિતા જળવાય તે સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. ‘ઓપરેશન ગંગાજળ’ના નેજા હેઠળ સરકારી કચેરીઓમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા, અનિયમિતતાઓ આચરનારા કે ફરજમાં ગંભીર ચૂક કરનારા અધિકારીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જોકે આ બંને અધિકારીઓ સામે કયા ચોક્કસ પ્રકારના આક્ષેપો, ફરિયાદો કે ગેરરીતિઓની તપાસ બાદ આ પગલું લેવાયું છે તેની ચોક્કસ માહિતી હજુ જાહેર થઈ નથી, પરંતુ હવે નિયમ મુજબ તેમની સામે વિભાગીય તપાસનો દોર વધુ તેજ બનશે અને આગામી દિવસોમાં આ મામલે વધુ સત્તાવાર ચોંકાવનારી વિગતો સામે આવે તેવી પૂરી શક્યતા છે.
પ્રજાલક્ષી અભિગમ અને પારદર્શક વહીવટ ધરાવતા મહિલા અધિકારી સામેની કાર્યવાહીથી ચર્ચા
મહેસાણા SLR બિકીશા પટેલની કામગીરીની લોકમુખે પ્રશંસા: લેભાગુ તત્વોના વિરોધ કે આંતરિક રાજકારણનો ભોગ બન્યાની વ્યાપક ચર્ચા
મહેસાણા જિલ્લામાં સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ્સ (SLR) તરીકે ફરજ બજાવતા વર્ગ-1ના બાહોશ મહિલા અધિકારી બિકીશા પટેલ સામે તાજેતરમાં થયેલી ફરજ મોકૂફીની કાર્યવાહીને લઈને જિલ્લાભરમાં ભારે ચર્ચા જાગી છે. સ્થાનિક નાગરિકો અને વહીવટી વર્તુળોમાં એવી પ્રબળ લાગણી જોવા મળી રહી છે કે, સામાન્ય પ્રજાના જમીન સંબંધિત વર્ષો જૂના પ્રશ્નોનું ઝડપી અને નિયમાનુસાર નિરાકરણ લાવવાની તેમની નિષ્ઠાવાન કાર્યશૈલી કેટલાક કાયદાની ઐસીતૈસી કરનારા લેભાગુ તત્વો અને વચેટિયાઓને ખૂંચતી હતી, જેના પરિણામે તેઓ ષડયંત્ર કે સ્થાનિક રાજકારણનો ભોગ બન્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
મહેસાણા જિલ્લામાં જમીન દફતર અને રેકર્ડ્સ જેવી અતિ સંવેદનશીલ અને જટિલ કામગીરી દરમિયાન બિકીશા પટેલે સતત લોકાભિમુખ વહીવટ પર ભાર મૂક્યો હતો. સામાન્ય ખેડૂતો અને અરજદારોને કચેરીઓના બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના નિયમાનુસાર કામ થાય તે માટે તેમણે કડક વલણ અપનાવ્યું હતું. તેમની આ કડકાઈ અને પારદર્શક કાર્યપદ્ધતિને કારણે જમીન માફિયાઓ અને કાયદાને નેવે મૂકીને કામ કરાવવા ટેવાયેલા અસામાજિક તત્વોના મનસૂબા પાર પડતા નહોતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા તત્વો દ્વારા સતત તેમના કામમાં અવરોધો ઊભા કરવાના અને ખોટી ફરિયાદો ઉપજાવી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.
વહીવટી તંત્રમાં પ્રામાણિકતા અને નિયમપાલન સાથે કામ કરનારા અધિકારીઓ જ્યારે આવા દબાણો સામે ઝૂકતા નથી, ત્યારે ઘણીવાર આંતરિક રાજકારણ કે કિન્નાખોરીનો શિકાર બનવું પડતું હોય છે. બિકીશા પટેલની ફરજ મોકૂફીના પગલે જિલ્લાના જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા છે કે, રાજ્ય સરકારે કોઈપણ પગલું ભરતાં પહેલાં અધિકારીની અત્યાર સુધીની ઉત્કૃષ્ટ સેવાઓ અને તેમના વિરુદ્ધ રચાયેલા પૂર્વાયોજિત કાવતરાંની પણ ઊંડાણપૂર્વક તેમજ તટસ્થ તપાસ કરવી જોઈએ, જેથી સાચા અને પ્રજાહિતમાં કામ કરતા અધિકારીઓનું મનોબળ ન તૂટે.


