રાજકોટ ભાજપે વિવાદ થતાં બીજા જ દિવસે પદાધિકારીઓની નિમણુંક રદ કરી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાત પ્રદેશ ભાજપે ઘડેલા નિયમોની રાજકોટ જિલ્લા ભાજપે ઐસીતૈસી કરી હોવાની કરી હોવાથી રાજકારણ ગરમાયું છે. કોટડાસાંગાણી જિલ્લા પંચાયતની બેઠક પર હારેલા ઉમેદવાર શૈલેષ વઘાસીયાને રાજકોટ જિલ્લા ભાજપે તાલુકા પ્રમુખ બનાવતા પ્રદેશ ભાજપ ચોંકી ઉઠ્‌યું હતું. બાદમાં પ્રદેશ ભાજપે રાજકોટ જિલ્લાને આકરો ઠપકો આપતા બીજા જ દિવસે નિમણુંક રદ કરવામાં આવી હતી. આથી રાજકોટ જિલ્લા ભાજપને નીચા જાેવા જેવું થયું છે. હજુ ચારેક તાલુકાઓમાં સમાન પ્રકારે નિમણુંકો થઈ હોવાથી મહામંત્રી દરજ્જાના હોદેદારોના રાજીનામા લઈ લેવા પડે તેવી સ્થિતિ છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોટડા બેઠકમાં ભાજપની ટિકિટ પરથી લડેલા શૈલેષ વઘાસીયાને સ્થાનિક જિલ્લા ભાજપ નેતાગીરીએ કોટડાસાંગાણી તાલુકા ભાજપના સંગઠન પ્રમુખ બનાવી દીધા હતા. ગુરૂવારે નિમણુંકનો ઓર્ડર થયો હતો. ચૂંટણીઓમાં તે પરાજીત થયાની હકીકત છતાં સંગઠન હોદો અપાતા સ્થાનિક તાલુકા ભાજપના આંતરિક રાજકારણમાં કચવાટ સર્જાયો હતો અને પ્રદેશ નેતાગીરીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. હકીકત ચકાસીને પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉઠી હતી.

ભાજપ નેતાગીરીએ ચૂંટણી પૂર્વે જ એવો નિયમ બનાવ્યો હતો કે ચૂંટણી રાજકારણમાં સામેલ થનારાને સંગઠનમાં હોદો નહીં આપવાનો. સંગઠનમાં હોય છતાં ચૂંટણી લડે તો પછી સંગઠનમાંથી રાજીનામું આપી દેવાનું. આ નિયમને ગણતરીમાં લીધા વિના જિલ્લા ભાજપ દ્વારા કોટડાસાંગાણી તાલુકાના ભાજપ પ્રમુખપદે શૈલેષ વઘાસીયાની નિમણુંક કરી દીધી હતી.

જિલ્લા ભાજપ દ્વારા આવા બારોબારના ર્નિણયથી પ્રદેશ નેતાગીરીએ જિલ્લા હોદેદારોને આકરો ઠપકો પણ આપ્યો હતો અને તાત્કાલિક અસરથી નિમણુંક રદ કરવાની સૂચના આપી હતી. જિલ્લા ભાજપ દ્વારા રાજીનામું લઈ લેવામાં આવ્યુ છે. રાજકીય ક્ષેત્રે અસાધારણ કહી શકાય તેવા આ ઘટનાક્રમમાં કોટડાસાંગાણી તાલુકા પ્રમુખપદે શૈલેષ વઘાસીયાને ગત શુક્રવારે નિમણુંક આપવામાં આવી હતી અને શનિવારે હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.