સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને અપીલ માટે 30 દિવસનો સમય આપ્યો હતો
સુરતની ટ્રાયલ કોર્ટે માનહાનીના ફોજદારી કેસમાં આઈપીસીની કલમ 499 અને 504 મુજબ દોષિત જાહેર કર્યા
ગરવી તાકાત, સુરત તા. 23 – 2019ની લોકસભા ચૂંટણી સમયે મોદી અટક અંગે કરેલા વિધાનો બદલ આજે સુરતની ટ્રાયલકોર્ટે કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ તથા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા અને તેમને બે વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી. જો કે તુર્તજ સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની આ સજા 30 દિવસ માટે મોકુફ રાખી છે અને રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. આ ચૂકાદાને પગલે કોંગ્રેસ પક્ષમાં સન્નાટો વ્યાપી ગયો છે. 
ચૂકાદા સમયે રાહુલ ગાંધી અદાલતમાં હાજર હતા અને તેમની સજાની જાહેરાત થયા બાદ તુર્ત જ રાહુલ ગાંધીના ધારાશાસ્ત્રીઓએ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરીને રાહુલની સજા સામે સ્ટે માંગ્યો હતો. સેશન્સ કોર્ટે રાહુલને રૂા.10 હજારના વ્યક્તિગત બોન્ડ પર જામીન મુક્ત કર્યા હતા અને બાદમાં તેઓને સજા સામે અપીલ કરવા માટે ચુકાદો આપવા 30 દિવસનો સ્ટે આપ્યો છે અને હવે આ કેસ સેશન્સ કોર્ટમાં લડાશે તેવા સંકેત છે. 2019ની લોકસભા ચૂંટણી સમયે કર્ણાટકમાં કોલારમાં એક રેલીને સંબોધીત કરતા સમયે રાહુલ ગાંધીએ એવું વિધાન કર્યુ હતું કે કેવા કેવા ચોરની અટક મોદી છે શું બધા ચોરોની અટક મોદી હોય છે?
તેઓએ આ બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન ટાંકવાનો પ્રયત્ન કર્યો હતો અને તેઓએ આઈપીએલના પુર્વ ચેરમેન લલીત મોદી ઉપરાંત ભારતમાં બેન્કોને હજારો કરોડ ના ફ્રોડમાં વિદેશ નાસી છુટેલા નિરવ મોદી સહિતના મુદ્દે પણ આ વિધાન કર્યુ હતું. તેઓએ કહ્યું કે શું તમામ ચારોમાં મોદી અટક હોય છે જેની સામે ગુજરાત ભાજપના અગ્રણી તથા પુર્વમંત્રી અને સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં ફોજદારી, બદનક્ષીનો દાવો રજુ કર્યો હતો
રાહુલને જેલસજાના ચૂકાદા સામે 30 દિવસનો સ્ટે: જામીન
આજે ટ્રાયલકોર્ટે રાહુલ ગાંધીને આપેલા ચૂકાદા બાદ તુર્ત જ તેમના ધારાશાસ્ત્રીઓએ સુરતની સેશન્સ કોર્ટમાં આ સજા અને ચૂકાદા સામે સ્ટે માંગ્યો હતો જેમાં સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને અપીલ માટે 30 દિવસનો સમય આપ્યો હતો અને તેમને રૂા.10 હજારના જામીન પણ આપ્યા હતા. હવે આ મુદે નવો કાનુની જંગ શરુ થશે તેવા સંકેત છે.


