ગરવી તાકાત કાંકરેજ : જગત જનની આદ્ય શક્તિમાં જગદંબાના નવલાં નોરતાંની અનુષ્ઠાન રૂપે સમગ્ર ગુજરાતમાં દબદબાભેર ઉજવણી કરાઈ અને ખેલૈયાઓ મન મૂકીને માં તરફના પોતાના ભક્તિભાવને પ્રગટ કરવા સુર લય અને તાલના ત્રિવેણી સંગમથી નાચ્યા હતા.જેમાં રાધનપુર નગરમાં “ભારત વિકાસ પરિષદ”દ્વારા નવરાત્રી પૂર્ણ થયા બાદ ગત તા.૦૬/૧૦/૨૦૨૨ના રોજ શિશુમંદીરના પટાંગણમાં એક ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદના પ્રમુખ અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુરના પ્રિન્સીપાલ ડૉ.સી.એમ.ઠક્કરના માર્ગદર્શન અને એમના નૈતૃત્વ હેઠળ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પરિષદના પ્રમુખ ડૉ.સી. એમ.ઠક્કરે પધારેલ મહેમાનો તેમજ નગરજનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.જેમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા.કાર્યક્રમમાં લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિજેતા ખેલૈયાઓને ઈનામ ભારત વિકાસ પરિષદ રાધનપુર શાખા દ્વારા આપવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમના સહયોગી દાતા અમથાભાઈ ચૌધરી, ફરશુભાઈ ગોકલાણી,દિનેશભાઈ ઠક્કર (ભાભરવાળા), ડૉ.પ્રકાશભાઈ પિંડારિયા, ભાવેશભાઈ (તુલસી પ્લાયવુડ) તેમજ વિજયભાઈ વંજાની હાજર રહ્યા હતા.માતાજીની આરતી સમયે મહિલા વિભાગમાંથી બહેનોએ આરતીની થાળીની સુંદર સજાવટ કરી “આરતીની થાળી સજાવટ” સ્પર્ધાનું પણ આયોજન કરેલ હતું.જેના નિર્ણાયક તરીકે અલકાબેન ઠક્કર,શીતલબેન, પ્રિતિબેને યોગદાન આપ્યું હતું અને પારદર્શક નિર્ણય આપી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અલ્પેશજી ઠાકોર, ડૉ.ગોવિંદભાઈ ઠાકોર, ડૉ.નવીનભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા સંયોજીકા બહેન કવિતાબેન, ધરતીબેન,બિનાબેન સહિત અનેક બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલક તરીકે અને સંયોજક તરીકેની વિશેષ જવાબદારી ડૉ.સુરેશ ઓઝાએ (પ્રજાપતિ) તેમજ મેહુલ જોષીએ ઉઠાવી હતી.આ સાથે સમગ્ર કાર્યક્રમને આદિથી અંત સુધી સફળ બનાવવા પરિષદના મંત્રી રાજેશભાઈ,દિલીપ પૂજારા, હિતેશ રાતાણી,ડૉ.ચિરાગ રાવલ, ભરત નાડોદા,ધર્મેશ ઠક્કર તથા તમામ કારોબારી સભ્યો,હોદ્દેદારો તેમજ સભ્યોએ સુંદર કામગીરી કરી હતી.આ પ્રસંગે અલ્પાહારની સુંદર વ્યવસ્થા પણ કરાઈ હતી. મોડી રાત સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો અને બધા અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ