ગરવી તાકાત, ગાંધીનગર તા. 11 – વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતના અડધા દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન સાબરમતી નદીના કાંઠે મહાત્મા ગાંધીના આશ્રમના રૂા.1200 કરોડના ખર્ચે સ્મારક નિર્માણ અને આશ્રમ સંકુલના નવનિર્માણ પ્રોજેકટનું ભૂમિપૂજન કરશે. એની સાથે પુન: વિકસીત કોચરબ આશ્રમનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન સાબરમતી ડી કેબીન ખાતે વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરવા સાથે દેશના વિવિધ ભાગોમાં રેલવે ટ્રેન, કોચ, કોરિડોર, સોલરના અંદાજે રૂા.85000 કરોડના પ્રોજેકટસના લોકાર્પણ, ખાતમુર્હુત કરશે. વડાપ્રધાન અમદાવાદથી સીધા રાજસ્થાનના પ્રવાસે જશે.
12 માર્ચને દાંડી કૂચ દિને વડાપ્રધાન સવારે નવી દિલ્હીથી સીધા અમદાવાદ આવશે. અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન સીધા સાબરમતી ડી કેબિન ખાતે પહોંચશે. જયાં વેસ્ટર્ન ડીએફસીના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરી નિરીક્ષણ કરશે. અહીંથી જ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદેભારત ટ્રેનને લીલીઝંડી ફરકાવશે.
આ ઉપરાંત રેલવે કાર્યશાળાઓ, પિટ લાઈન કોચીંગ ડેપોના શિલાન્યાસ કરશે. આ જ રીતે ચાર વંદેભારત ટ્રેનના વિસ્તરણને લીલીઝંડી આપશે. જેમાં અમદાવાદ-જામનગર વંદેભારત દ્વારકા, અજમેર-દિલ્હી સુધી છે. તેનો પણ સમાવેશ થાય છે. જયારે આસનસોલ અને હટિયા અને તિરુપતિ અને કોલ્લમ સ્ટેશનો વચ્ચે બે નવી પેસેન્જર ટ્રેનોને પણ ઝંડી ફરકાવશે.
એ જ રીતે રેલવે સ્ટેશનો પર 50 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્રો દેશને સમર્પિત કરશે. પીએમ દેશને 51 ગતિમાન શક્તિ મલ્ટી-મોડલ કાર્ગો ટર્મિનલ્સ, વિવિધ 80 વિભાગોમાં 1045 આરકેએમ ઓટોમેટિક સિગ્નલિંગ, 2646 સ્ટેશનો પર રેલવે સ્ટેશનોનું ડિજીટલ ક્ધટ્રોલિંગ રાષ્ટ્રને પણ સમર્પિત કરશે.