આવતીકાલ એટલે કે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કચ્છમાં મહિલા સંતોની સંગોષ્ઠીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલા દિવસ પર કચ્છના ધોરડોમાં એક મહિલા સંત શિબિરમાં આયોજીત સંગોષ્ઠીને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમાજમાં મહિલા સંતોની ભૂમિકા અને મહિલા સશક્તિકરણમાં તેમના યોગદાનને ઓળખવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારમાં 500 થી વધુ મહિલા સંતો ભાગ લેશે. પીએમઓએ કહ્યું કે આ સેમીનારમાં સંસ્કૃતિ, ધર્મ, મહિલા ઉત્થાન, સુરક્ષા, સામાજિક સ્થિતિ અને ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓની ભૂમિકા પર સત્ર હશે.
તેમણે કહ્યું- તેમાં મહિલાઓની સિદ્ધિની સાથે-સાથે મહિલાઓને લાભ આપનારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની કલ્યાણકારી યોજનાઓની પણ ચર્ચા કરવામાં આવશે. આ સેમીનારમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ અને ભારતી પ્રવીણ પવાર પણ સામેલ છે. આ કાર્યક્રમમાં સાધ્વી ઋતંભરા, મહામંડલેશ્વર કંકેશ્વરી દેવી સહિત અન્ય હસ્તિઓ પણ હાજરી આપશે.
(ન્યુઝ એજન્સી)