કાલે ડિસા અને હિંમતનગર તેમજ ગુરૂવારે આણંદ, જુનાગઢ, જામનગર અને રેન્દ્રનગરમાં જાહેર સભા :
રૂપાલાના વિરોધ અને ક્ષત્રિય વિવાદના પગલે વડાપ્રધાનની સભા માટે રાજયના ટોચના ત્રણ આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 30 – રાજયની લોકસભાની 25 અને વિધાનસભાની પાંચ બેઠકોની તા.7 મેના આયોજીત કરાયેલ પેટા ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં હવે મોદી ઇફેકટ સર્જવા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચૂકયો છે. વડાપ્રધાન મોદી આવતીકાલથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળનાર છે. તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છ જનસભાથી લોકસભાની સૌરાષ્ટ્ર ઉતર અને મધ્ય ગુજરાતની 15 બેઠકોને આવરી લેશે.
જેમાં આવતીકાલે તા.1 બુધવારના ડિસા અને હિંમતનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જનસભા આયોજીત કરવામાં આવી છે જે બાદ તા. રને ગુરૂવારના તેઓ સવારના આણંદ ત્યારબાદ વઢવાણ, જુનાગઢ અને જામનગરમાં વિરાટ જનસભાને સંબોધીત કરનાર છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધના પગલે વિવાદના મંડાણ થયા છે ત્યારે સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જનસભા માટે સુરક્ષાની જવાબદારી રાજયના ત્રણ ટોચના આઇપીએસ અધિકારીઓને સોંપવામાં આવી છે જેમાં રાજકુમાર પાંડેયનને જામનગર, સુભાષ ત્રિવેદીને જુનાગઢ તેમજ અભયસિંહ ચુડાસમાને સુરેન્દ્રનગર ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભાની જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાનની આ જાહેર સભા પૂર્વે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગરની મુલાકાત લેવામાં આવી હતી.