-
ભરૂચના બાર પરીક્ષા કેન્દ્રો ખાતે 3061 ઉમેદવારો પરીક્ષા આપશે
-
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
(મનિષ કંસારા, ભરૂચ દ્વારા) ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્રારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1-2 અને ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 ની પ્રીલીમિનરી પરીક્ષા 26 ડિસેમ્બર-2021 ના રોજ યોજાશે. આ પરીક્ષા બે સેશનમાં લેવાશે. પેપર-1 સવારે 10: 00 થી 01: 00 અને પેપર-2 03:00 થી 06:00 લેવામાં આવશે.
આ પરીક્ષાનું આયોજન નિષ્પક્ષ, તટસ્થ, ભેદભાવ રહિત તથા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં કલેકટરએ 12 કેન્દ્રો ખાતે પૂરતી સેવા જેવી કે કાયદા અને વ્યવસ્થા સચવાય તે માટે પોલીસ વિભાગને, આરોગ્ય વિભાગને આરોગ્ય પૂરતી સુવિધા સાથે ટીમ સાથે કેન્દ્ર ખાતે હાજર રહેવા તથા વિજ પુરવઠા ચાલુ રાખવા તથા એસ.ટી વિભાગને ઉમેદવારો સમયસર પહોંચી શકે તે માટે બસની સુવિધા રાખવા જેવી બાબતોએ જરૂરી સૂચનાઓ આપી હતી અને તેમને પરીક્ષાનું આયોજન પ્લાનીંગપૂર્વક થાય, એસ.ઓ.પી.નું પાલન થાય, સોંપેલી કામગીરી ગંભીરતા તથા સંવેદનશીલતાને ધ્યાને રાખી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા અને શિક્ષણ નિરીક્ષક દિવ્યેશભાઈ પરમારે પરીક્ષા સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ડીવાયએસપી પ્રાંત અધિકારી એન. આર. પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, સબંધિત અમલીકરણ અધિકારીગણ તથા પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.