— બે દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે ગરમીનો પારો ઓછો :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સામાન્ય વાદળછાયા વાતાવરણને કારણે ગરમીની અસર ઓછી જાેવા મળી હતી. જાે કે આ રાહત ૨૪ કલાક પૂરતી રહેશે, ત્યારબાદ ત્રણ દિવસ જિલ્લામાં હિટ વેવની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
જિલ્લામાં શનિવારથી સોમવાર સુધીમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. મહેસાણા શહેર અને ગ્રામ્ય સહિત તાલુકા મથક વિસનગર, વડનગર, સતલાસણા, ખેરાલુ, જાેટાણા અને ઊંઝામાં છેલ્લા એક સપ્તાહથી ૩૫ ડિગ્રી ઉપર તાપમાન રહેતા લોકો આકરી ગરમીમાં શેકાયા હતા.
જાે કે હાલમાં ત્રણ દિવસ સુધી હિટવેવ ની ચેતવણી બાદ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના સેવાઇ રહી છે. ત્યારે બિનજરૂરી બપોરે તડકામાં નહીં નીકળવાની હવામાન વિભાગે સલાહ આપી છે.
ગરમીના કારણે નાગરીકો ત્રાહીમામ પોકાારી ઉઠ્યા છે. ગરમીના કારણે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. વેપારીઓ દ્વારા પોતાની દુકાન પાસે કંદાન બાંધીને રાહત મેળવી રહ્યા છે.