ગરવી તાકાત મહેસાણા : વિજાપુર તાલુકાના બામણવા ગામના યુવાને યુવતીની સગાઇની વાત ચાલતી હોઇ તેની બદનામી કરવા ખોટું મેરેજ સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું જે અંગે યુવતીએ લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બામણવા ગામે રહેતા અશ્વિનસિંહ ગજેન્દ્રસિંહ રહેવર નામનો યુવાન એક યુવતીને છેલ્લા 2 વર્ષથી ધમકી આપતો હતો કે તું બીજે લગ્ન કરીશ તો તને જાનથી મારી નાખીશ.
આજથી બે માસ અગાઉ આ યુવતીની સગાઇની વાત ચાલતી હતી ત્યારે આ યુવાને તેની સાથે લગ્ન કર્યા હોવાનું ખોટું સર્ટિફિકેટ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી યુવતીની બદનામી કરી હતી. સર્ટિમાં લગ્ન સધીમાતા રોડ, સાંઇબાબા મંદિર મહેસાણા ખાતે કર્યા હોવાનું અને તેની મહેસાણા નગરપાલિકામાં નોંધણી કરાવી હોવાનું જણાવ્યું હતું. આથી યુવતીના પિતાએ લગ્ન સર્ટિફિકેટ બાબતે મહેસાણા નગરપાલિકામાં ખરાઇ કરતાં લગ્નનું પ્રમાણપત્ર ખોટું હોવાનું માલુમ પડ્યું હતું.
આથી 24 વર્ષની આ યુવતીએ લગ્નનું ખોટું મેરેજ સર્ટિ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી બદનામી કરવા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી પૂર્વ આયોજિત કાવતરું રચી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા અંગે અશ્વિનસિંહ રહેવર વિરુદ્ધ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.