*મહેસાણામાં માર્ગ નિર્માણનું કામ કરતી કોન્ટ્રાક્ટ એજન્સી ‘વાગડ’ ના કામમાં લોટ પાણી લાકડાં છતાં તંત્રનું ભેદી મૌન
* પાલાવાસણા પાસે થતાં બ્રિજ નિર્માણમાં કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝનની પૂરતી સુવિધા નથી આપી, રોજ ટ્રાફિક જામ
* પાલાવાસણાથી હિંમતનગર અને બહુચરાજી જતા માર્ગ પર વાહન પસાર કરવું એટલે માથાનો દુખાવો
* વાગડ કન્સ્ટ્રક્શનના ઠેકેદારો કોન્ટ્રાક્ટર જ નહીં પરંતુ લુખ્ખા તત્વો હોય તેવી છાપ ઊભી કરી દીધાની ચર્ચા
* જનતાની રજૂઆત કોઈ સાંભળતું નથી કોન્ટ્રાક્ટરને કહેતો દાદાગીરી જ લુખ્ખાગીરી ઉપર ઉતરતા હોવાના આક્ષેપ
ગરવી તાકાત - મહેસાણા:
મહેસાણા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ અને માર્ગ નિર્માણના કામનો ઠેકો ‘વાગડ’ કન્સ્ટ્રક્શન નામની કોઈ એજન્સીને આપવામાં આવ્યો છે. જે એજન્સી દ્વારા માર્ગ નિર્માણના સ્થળે ડાયવર્ઝનની નિયમો મુજબની સુવિધા ઉભી નહીં કરવામાં આવતા સેકડો વાહન ચાલકો પરેશાની ભોગી રહ્યા છે. એટલું જ નહીં બોગસ કામ કરતી એજન્સી સામે રાજ્યના બાંધકામંત્રી અને મહેસાણા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઠુમકા મારતા હોય તેમ તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની આશ્ચર્યજનક બાબત મહેસાણા જિલ્લાની જનતાને દેખાઈ રહી છે.
વાગડ એજન્સીના કોન્ટ્રાક્ટરની કામ કરવાની પદ્ધતિથી પાલાવાસણા થી બહુચરાજી અને હિંમતનગર તરફ જવાના માર્ગ પર રોજ ટ્રાફિક ગામની સમસ્યા લોકોનું માથું દુખાવી દે છે. જો આ અંગે કોઈ જાગૃત નાગરિક જિલ્લાના બાંધકામ વિભાગને રજૂઆત કરે તો તેમની રજૂઆત સાંભળવામાં આવતી નથી. વાગડ એજન્સીના કોન્ટ્રાક્ટર કે તેમના કોઈ મળતીયાને ફરિયાદ કરવામાં આવે તો તેઓ જિલ્લાની જનતા સામે દાદાગીરી જ નહીં પરંતુ લુખ્ખાગીરી ઉપર ઉતરી આવતા હોવાની ચર્ચા સામે આવી છે. જેથી લુખ્ખાગીરી ના નામથી પંકાઈ ગયેલી વાગડ એજન્સીને મહેસાણા જિલ્લામાંથી હાંકી કાઢવા અનેક જાગૃત નાગરિકોએ પોતાની લાગણી છતી કરી છે.
મહેસાણા જિલ્લામાં બ્રિજ અને માર્ગના નવનિર્માણ માટે વાગડ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી કામ કરતી આ એજન્સી માર્ગ નિર્માણ સમયે જનતાને આપવી પડતી ડાયવર્ઝન સહિતની માળખાગત સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરતી હોવાનું ચિત્ર ઉપસયુ છે.
* રાજ્ય તેમજ જિલ્લાનું બાંધકામ ખાતું વાગડ એજન્સી સામે ઠુમકા કેમ મારે છે?
મહેસાણા જિલ્લામાં બ્રિજ અને માર્ગનું નવનિર્માણ કરતી વાગડ એજન્સી રાજ્ય તેમજ જિલ્લાના બાંધકામ વિભાગના અધિકારીઓ પાસે ઠુમકા લગાવડ આવતું હોય અને બાંધકામ વિભાગના જવાબદારો ઠુમક… ઠુમક … ઠુમકા પણ મારતા હશે તેવું વાગડ એજન્સીની બાંધકામ તંત્રના અધિકારીઓ ઉપર રહેલી પકડથી માની શકાય તેમ છે. જો આમ હોય તો બાંધકામ વિભાગના અધિકારીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તેવું મહેસાણા જિલ્લાની જનતા માની રહી છે.
* કન્ટ્રક્શનનું કામ કરતી વાગડ એજન્સી લુખ્ખા એજન્સી હોય તે રીતે વર્તન કરતી હોવાની જન ફરિયાદ
મહેસાણા જિલ્લામાં બ્રિજ અને માર્ગ નિર્માણનું કામ કરતી વાગડ એજન્સી નીતિ નિયમ વગર કામગીરી કરી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. એ તમામ ફરિયાદો વચ્ચે મહેસાણા જિલ્લાની જનતા જે તેમની કામગીરીથી ઘણી બધી મુશ્કેલી ભોગવે છે તે કહે છે કે જિલ્લામાં કન્સ્ટ્રક્શનનું કામ કરતી વાગડ એજન્સી એ ખરા અર્થમાં લુખ્ખા એજન્સી હોય તેવી છાપ તેના ઠેકેદારો અને ટેકેદારો બંને બતાવી રહ્યા છે. જેથી આવી એજન્સીને રાજ્યના બાંધકામ વિભાગે ઘર ભેગી કરી દઈને કોઈ સંસ્કારી અને શિષ્ટ રીતે વર્તન કરતી એજન્સીને કામનો ઠેકો આપવો જોઈએ.

* કોન્ટ્રાક્ટરે રોડની સાઈડમાં ફેંકેલા મલબાના લીધે અકસ્માતમાં બે જણે જીવ પણ ગુમાવ્યા છે
લુખ્ખા કન્સ્ટ્રક્શન એજન્સી વાગડ દ્વારા કરવામાં આવતી બ્રિજ અને રોડના નિર્માણની કામગીરીમાં આડેધડ રોડની સાઈડમાં ફેંકી દેવાયેલા મલબાના કારણે થોડા મહિનાઓ પૂર્વે એક અકસ્માતમાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. તેમ છતાં આ એજન્સી સામે બાંધકામ તંત્ર ઘૂમટો તાણીને બેસી રહ્યું છે તે શરમજનક બાબત હોવાનું મહેસાણાની જનતા જણાવે છે
