— શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના શિક્ષણ અભિયાનના વચ્ચે એસ. ટી. બસથી વંચિત ગામડાઓની કન્યાઓ ઉચ્ચ શિક્ષણ છોડવા મજબુર :
ગરવી તાકાત થરા : આઝાદી પછી લોકશાહીના સીતેર વર્ષથી વધુ વર્ષો વિતવા છતાં બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના શૈક્ષણિક રીતે પછાત કાંકરેજ તાલુકાની પ્રજાને રેલ્વે કે હવાઈ મથકનો લાભ તો મળવાનો નથી. પરંતુ મેટ્રો બુલેટ ટ્રેન સી પ્લેન ને દેશમાં મોડેલ સ્ટેટના ધમધમાટ વચ્ચે આજે જુન-૨૦૨૨ મહીનો પુરો થવા આવ્યો છતાં સામાન્ય એસ.ટી.બસ ની સારી સેવાનો લાભ મળ્યો નથી. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા તથા આજુબાજુના સાઈઠથી વધુ ગામોની જનતા સૌરાષ્ટ્ર તરફની એસ. ટી. બસ સેવાથી વંચિત છે.
જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ,વેપાર કરતા વેપારી ઓ તથા મજુરો, સામાજિક વ્યવહાર ધરાવતા બહોળા સમુદાયને રેલ્વે કે એસ.ટી.બસની સેવા ન હોવાના કારણે ભારે તકલીફ પડી રહી છે. થરા તથા આજુબાજુના સાઈઠથી વધુ ગામના લોકોને સૌરાષ્ટ્ર તરફ જવાનું થાય તો ફરજિયાત હારિજ, રાધનપુર કે પાટણ જવું પડે છે.જેના લીધે અમુક સમય પછી એકબીજા રૂટની એસ. ટી.બસ ચુકી જવાય અથવા ટ્રાફિકના કારણે જગ્યા ન મળે તો મુશ્કેલી પડે છે. પરિવારમાં નાના બાળકો સાથેની મહીલાઓ અને વૃધ્ધો હેરાન થતાં જોવા મળે છે.
એક દોઢ કરોડના ખર્ચે એસ.ટી.નિગમ દ્વારા બસ સ્ટેન્ડ કન્ટ્રોલ પોઈન્ટ બનાવ્યો અને તે સમયના વાહન વ્યવહાર રાજય મંત્રી શંકરભાઈ ચૌધરીએ સૌરાષ્ટ્ર રાજસ્થાન તરફની એસ.ટી.બસ સેવા દિયોદર તથા નજીકના એસ. ટી. ડેપો દ્વારા શરૂ કરાશે તેના બદલે સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલી દિયોદર-જુનાગઢ, દિયોદર- દ્રારકા,દિયોદર-કેશોદ, ડીસા- રાજકોટ, થરાદ- જામનગર, થરાદ-પાલીતાણા, રાધનપુર-થરા- ભાવનગર જે પહેલાં એસ.ટી.બસરૂટો થરામાં નવા બસ સ્ટેન્ડ- કંટ્રોલ પોઈન્ટ બન્યા પછી તમામ બંધ કરી દેવામાં આવતા વર્તમાન ભાજપ સરકારની મોડેલ ઓપરેન્ડીની લોકો આશ્ચર્ય ચકિત થયા છે.કાંકરેજ ધારાસભ્ય અને વર્તમાન સરકારના શિક્ષણ રાજય મંત્રી કિર્તીસિંહ વાઘેલા સમક્ષ અવારનવાર રજુઆત કરવામાં આવી છતાં એસ.ટી.તંત્ર દ્વારા નવી બસો ચાલુ કરવાને બદલે જુના રૂટો બંધ કરી પ્રજા ને હેરાન કરી રહયા છે.
રાજય સરકારની યોજના મુજબ દર નવા શૈક્ષણિક સત્રમાં એસ. ટી. મીની બસો અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં શાળા સમયે ફરજીયાત ચાલુ કરવાની સુચના હોવા છતાં કાંકરેજ તાલુકામાં ઈન્દ્રમાણા,કાકર,રતનગઢ, રવિયાણા જેવા વિધાર્થીલક્ષી એસ.ટી.બસ રૂટો આજ દિવસ સુધી ચાલુ નથી કરાયા. દિયોદર એસ.ટી.ડેપોમાં ફરજ બજાવતા એ. ટી. આઇ. ટી.આઇ. ટીમ ડેપો મેનેજરની અણઆવડતનો લાભ લઈ રૂટો નું પ્રજા વિસ્તારલક્ષી સંચાલન નહીં કરતા હોવાની લોકોની બુમરાડ સાંભળવા મળે છે. કાંકરેજ તાલુકામાં એસ.ટી.બસના અભાવે ઈન્દ્રમાણા, કાકર,રતનગઢ, રવિયાણા તથા આજુબાજુના ગામડાંઓની કન્યાઓ ઉચ્ચ અભ્યાસ કરવાથી વંચિત રહે છે.
રાજય શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા આ બાબતે જાગૃત બનશે ખરા? સૌરાષ્ટ્ર અને ગ્રામ્ય વિસ્તારની એસ. ટી. બસ થરા થી ચાલુ થાય તે માટે રાજય સરકાર એસ.ટી.નિગમના સુતેલા અધિકારીઓ કર્મચારીઓને જગાડશો કે પછી ઘરઘર વિકાસ મોડેલના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના શિક્ષણ અભિયાનના કાર્યક્રમો સ્ટીકરો લગાવી વચ્ચે એસ. ટી. તંત્રના વાકે આ વિસ્તારની કન્યાઓને ઉચ્ચ શિક્ષણથી કાયમી વંચિત રાખશે.???