ગરવી તાકાત પાટણ : પાટણ પોલીસે આગામી દિવાળીના તહેવારો નિમિત્તે નાગરિકોને ખરીદી અને મુસાફરી દરમિયાન વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી ચોરી, લૂંટ અને છેતરપિંડી જેવી ઘટનાઓ અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાત્મક પગલાં અને માર્ગદર્શિકા જારી કરવામાં આવી. નાગરિકોને બજારમાં ખરીદી કરવા નીકળતી વખતે પર્સ, મોબાઇલ અને રોકડ જેવી કીમતી વસ્તુઓને સુરક્ષિત રીતે સાથે રાખવા સૂચન કરાયું આ ઉપરાંત, ઘરેણાં પહેરીને બજારમાં જવાનું ટાળવા અને વાહન લઈને જાવ ત્યારે કીમતી ચીજવસ્તુઓ ગાડીમાં ન રાખવા તથા ગાડી લોક કરી છે કે કેમ તે ચકાસી લેવા જણાવાયું. ખાસ કરીને બેંક, જ્વેલર્સની દુકાન કે આંગડિયા પેઢી ખાતે જતી વખતે કોઈ વ્યક્તિ પીછો તો નથી કરી રહી તેની તકેદારી રાખવી.
મુસાફરી દરમિયાન રિક્ષા, બસ કે ખાનગી વાહનના નંબર નોંધી લેવા અને સહ-મુસાફર કે ડ્રાઇવર પાસે કીમતી વસ્તુઓ ન મૂકવા ચેતવણી અપાઈ ભીડવાળી જગ્યાએ બાળકોનું ધ્યાન રાખવા અને કીમતી દાગીના કે પર્સ પર નજર રાખવા પણ સૂચન કરાયું. સાયબર ફ્રોડ અટકાવવા માટે પોલીસે જાગૃતિ ફેલાવી છે તહેવાર નિમિત્તે કોઈ વેબસાઇટ કે લિંક પર જાહેરાત આપવામાં આવી હોય, તો તેની લિંક ઓપન ન કરવી આમ કરવાથી નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બનવાથી બચી શકે. દુકાનદારો માટે પણ પોલીસ વિભાગે ખાસ માર્ગદર્શિકા જારી કરી દુકાન કે પેઢીના માલિકોએ પોતાની દુકાન ખાતે સીસીટીવી કેમેરા મુખ્ય પ્રવેશદ્વાર અને લોકર રૂમને કવર કરે તે રીતે લગાવવા.
શક્ય હોય તો એક સીસીટીવી કેમેરા દુકાનની બહાર આવનારા વાહનોને ઓળખી શકાય તે દિશામાં લગાવવો અને સીસીટીવી ફૂટેજ ઓછામાં ઓછા એક મહિના સુધી સચવાય તે વ્યવસ્થા રાખવી. પૈસા કે કીમતી વસ્તુઓ આપતો કોઈ વ્યક્તિ મોટો રૂમાલ કે માસ્ક બાંધીને અથવા પોતાનું મોઢું છુપાવીને આવે તો એલર્ટ રહેવા અને તેની નોંધણી કરવા જણાવાયું દુકાન ખાતે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેનો ફોટોગ્રાફ પાડી લેવા અને કીમતી મુદ્દામાલ, રોકડ રકમ સાથે લઈ જતી વખતે જી.પી.એસ. ટ્રેકરનો ઉપયોગ કરવા પણ સલાહ અપાઇ ગુજરાત પોલીસ દ્વારા ઇમરજન્સી અને પોલીસ મદદ માટે 112 નંબર અને સાયબર હેલ્પલાઇન માટે 1930 નંબરનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કરાયો.