શહેર-જિલ્લામાં યુવાનોથી માંડી વડીલો સુધી સૌએ રંગોત્સવની મજા માણી
પાટણ શહેર અને જિલ્લામાં ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ મહોલ્લા અને સોસાયટીઓમાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને વડીલોએ ઘરે-ઘરે ફરીને એકબીજાને રંગે રંગીને આ પર્વની ઉજવણી કરી હતી.
શહેરના પાર્ટી પ્લોટ ખાતે ખાસ ધૂળેટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીજેના તાલે યુવક-યુવતીઓએ નૃત્ય કરી એકબીજા પર રંગ અને પાણી છાંટીને આનંદ માણ્યો હતો. શિક્ષિત વર્ગે કેમિકલયુક્ત રંગોના ઉપયોગને ટાળ્યો હતો. કૃષ્ણપાર્ક, અવધૂતપાર્ક અને શ્રીકુંજપાર્ક સોસાયટીમાં કાશ સંગઠનના નેતૃત્વમાં ડૉક્ટરો સહિતના રહીશોએ અબીલ-ગુલાલથી ધૂળેટી રમી હતી. બપોરે સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુર્જરવાડો, ઝીણીપોળ અને હિંગળાચાચર વિસ્તારમાં મોદી સમાજની મહિલાઓએ સામૂહિક રીતે ધૂળેટીની ઉજવણી કરી હતી. નાના બાળકોએ પિચકારીથી રંગ છાંટીને આનંદ માણ્યો હતો. સમગ્ર શહેર રંગબેરંગી બની ગયું હતું અને ઠેર-ઠેર ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો