— શહેરમાં એરપોર્ટ ઓથોરિટી વિસ્તારમાં મંજૂરી વગર બાંધકામનો વિવાદ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં એરપોર્ટ ઓથોરિટી એરિયામાં બાંધકામ મુદ્દે હાલમાં મહેસાણા પાલિકામાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટરે રાખેલા હિયરિંગમાં પાલિકા ચીફ ઓફિસર હાજર ન રહેતાં કલેક્ટરે તેમને કારણદર્શક નોટિસ ફટકારતાં ખળભળાટ મચી ગયો છે.
જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે પાઠવેલી નોટિસમાં સરકારી કામે ફરજમાં દાખવેલી ઉપેક્ષા બદલ ખાતાકીય તપાસ શરૂ કરવાના કામે તપાસ અહેવાલ કમિશ્નર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરની કચેરીએ રજૂ કેમ ન કરવો તે અંગે આધાર પુરાવા સાથે સાત દિવસમાં ખુલાસો કરવા ચીફ ઓફિસરને આદેશ કરાયો છે. જેના પગલે પાલિકા વર્તુળમાં હલચલ મચી ગઇ છે.
નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહેસાણા એરપોર્ટ મેનેજરે એરપોર્ટ નજીક થતા બાંધકામ બાબતની લેખિત રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગંભીર બેદરકારી દાખવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. વધુમાં સુનાવણીની નિયત તારીખ અને સમયે ચીફ ઓફિસર ગેરહાજર રહ્યા હોવાથી તેનો 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.