પાલનપુરના ગાયનેક તબીબે કોરોના પોઝિટિવ સગર્ભા મહિલા આરોગ્ય કર્મચારીને મોતના મુખમાંથી બચાવી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગર્ભાવસ્થામાં સિઝેરિયન ઓપરેશન કરી બાળક અને માતા બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યો

ચિત્રાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેજાના મલાણા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા અને જલોત્રા ગામના વતની હિનાબેન સી.પ્રજાપતિ કે જેઓ સગર્ભા હતા અને પોતાની ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા.તેણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સીટી સ્કેન કરાવ્યો હતો. જેમાં તેમના 50% ફેફસા કોરોના ઈન્ફેક્શનના લીધે અસરગ્રસ્ત થયા હતા.કોરોના સંક્રમિત થયા બાદ તેમની તબિયત ખરાબ થવાનુ શરૂ થયુ હતુ. તેણીને હાઈગ્રેડ ફિવર, ગળામાં સખત દુખાવો,ખાંસી તથા ખુબ જ અશક્તિ જેવા લક્ષણો હતા.કોરોનાના લીધે ગર્ભમાં રહેલ બાળક પર પણ અસર જોવા મળી હતી.
ગર્ભમાં બાળકની આસપાસનુ પાણી ઓછુ થવા લાગ્યુ હતુ તથા બાળક ડિસ્ટ્રેસમાં જવા લાગ્યુ હતુ. તારીખ 7 મે ના વહેલી સવારે હિનાબેનને શ્વાસ લેવામા તકલીફ પડતાં તેમને તાત્કાલિક પાલનપુર ખાતે ખાનગી દવાખાને લઈ ગયા હતા. જયાં તેમના લોહીમાં ઓક્સિજનનુ પ્રમાણ ખુબ જ ઘટી ગયુ હોવાથી તેણીને તાત્કાલિક આઈ.સી.યુ વાનમાં અમદાવાદ ખાતે રીફર કરવા જણાવેલ.
આ અંગે પાલનપુરના નામચીન ગાયનેક તબીબોની સલાહ લેતાં તેઓએ પણ આવા દર્દીને આઈ.સી.યુ માં શિફ્ટ કરવાની સલાહ આપી હતી. આવી પરિસ્થિતિમાં પાલનપુરની પહલ હોસ્પિટલના ગાયનેક તબીબ ડો.પ્રશાંત જી.પ્રજાપતિ એ આ કેસને સંભાળવાની તૈયારી દર્શાવતા હિનાબેનને પહલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણીની સારવાર શરૂ કરવામાં આવી. ત્રણ દિવસની સારવાર બાદ હિનાબેનની તબિયતમાં સુધારો થતાં ડો.પ્રશાંત પ્રજાપતિ એ અગમચેતી દાખવી 10મે ના રાત્રે સાડા બાર વાગે તાત્કાલિક હિનાબેનનુ સાડા સાત માસની ગર્ભાવસ્થામાં સિઝેરિયન ઓપરેશન કરી બાળક અને માતા બંનેનો જીવ બચાવી લીધો હતો. બાળકને પણ કોરોનાની અસર જણાતા બચપન ચિલ્ડ્રન  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ.આજે હિનાબેન અને બાળક બંને સ્વસ્થ છે અને તંદુરસ્ત છે.વધુમાં હિનાબેન પોતે સરકારમાં આરોગ્ય વિભાગમાં કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતા હોઈ ડો.પ્રશાંત પ્રજાપતિએ દવાખાનાનો તથા ઓપરેશનના ખર્ચનો 80% ખર્ચ માફ કરી દીધો હતો. આમ પહલ હોસ્પિટલના ગાયનેક તબીબે કોરોના મહામારીમાં પોતાના જીવની પરવા કર્યા વિના બે જીવ બચાવી સમાજમાં માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે તથા ડોકટર એ ભગવાનનુ સ્વરૂપ છે તે બાબતને આજે સાર્થક કરી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.