પાણીપુરીવાળાના ઘરોમાંથી એક ટ્રેકટર ભરીને સડી ગયેલા બટાકા મળી આવતાં બટાકાનો નાશ કરાયો
ખેરાલુમાં પાણી પુરીની લારી વાળાના ઘરોમાં ખેરાલુ પાલિકાના ફૂડ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરતાં પાલિકાની ટીમ પણ ચોંકી ગઇ
પાણીપુરી, દાબેલી, પફ, વડાપાઉ, ભજીયા, સહિતના અનેક ફાસ્ટફૂડ બટાકાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે
ગરવી તાકાત, ખેરાલુ તા. 05- મહેસાણા જિલ્લામાં ફાસ્ટફૂડ ખાવા નાગરીકોના સ્વાસ્થય માટે કેટલા હાનિકારક છે તે ખેરાલુમાં પાણી પુરીની લારી વાળાના ઘરોમાં ખેરાલુ પાલિકાના ફૂડ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરતાં પાલિકાની ટીમ પણ ચોંકી ગઇ હતી. ખેરાલુમાં પાણીપુરી વાળાના ઘરોમાં પાણી પુરીમાં વાપરવામાં આવતાં બટાકા સડી ગયેલા મળી આવ્યાં હતા. સડી ગયેલા બટાકામાં જીવાત તેમજ ઇયળો હોવાના કારણે લોકોના સ્વાસ્થયને કેટલી ગંભીર અસર થઇ શકે છે પરંતુ પાણીપુરી વાળાની લારીઓ વાળા આવા બટાકાનો વપરાશ કરી નાગરીકોના સ્વાસ્થય સાથે કેટલા ગંભીર ચેડા કરી રહયાં છે. લોકોને ફાસ્ટફુડ ખાવાના શોખીનો માટે આ કિસ્સો ચેતવણી આપતો જાય છે.

મહત્વની બાબત એ છે કે ખેરાલુમાં પાલિકાની ટીમ દ્વારા પાણીપુરીવાળાઓના ઘરોમાંથી એક ટ્રેકટર ભરાય તેટલી માત્રામાં સડેલા બટાકાનો જથ્થો મળી આવતાં ટીમ પણ ચોંકી જવા પામી હતી. પાણીપુરી ખાવામાં ભારે સ્વાદ આવતો હોય છે પરંતુ આ સ્વાદ પાણીપુરી ખાતા લોકોના સ્વાસ્થયને કેટલો ભારે પડી શકે તેનો નમૂનો ખેરાલુમાં જોવા મળ્યોં હતો. જો કે આ અગાઉ મહેસાણામાં પણ પાણીપુરી વાળાની લારીઓ પર વપરાતાં બટાકા સડી ગયેલા વપરાશ થતાં હોવાના પણ દાખલા નોંધાયા છે. મહત્વની બાબત છે કે બટાકાનો ફાસ્ટફુડમાં બહુ મોટા પ્રમાણમા ઉપયોગ થાય છે. જેમાં પાણીપુરી, દાબેલી, પફ, વડાપાઉ, ભજીયા, સહિતના અનેક ફાસ્ટફૂડ બટાકાનો ઉપયોગ થાય છે.
ખેરાલુ પંથકમાં વેચાતી ચટાકેદાર પાણી પુરી વાળાને ત્યાં પાલિકાના સેનેટરી વિભાગે રેડ પાડી હતી. જ્યા તપાસ કરતા ઠેરઠેર પાણીપુરીની લારીઓ પર સડેલા બટેકા ચેકિંગ દરમિયાન મળી આવ્યા હતા. જેથી પાલિકા વિભાગે લારીઓ પર સડેલા બટાકા કબ્જે કર્યા હતા. તેમજ ઘરોમાં પણ તપાસ કરતા એક ટ્રેક્ટર ભરાયું હતુ એટલા સડેલા બટાકા જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ અન્ય ખાણી પીણીના સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ટ્રેક્ટર મારફતે બટાકા ભરી નાશ કરવામાં આવ્યો હતો. લારીઓ અને ઘરોમાંથી અંદાજે 150 કિલો જેટલા સડેલા બટાકા જપ્ત કરી અને પાણી પુરીની લારી વાળા કુશવાહ શિવ કુમાર થતા કુશવાહ રામજી ભાઈ ,કુશવાહ પપુ ભાઈ વગેરે સામે દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે મહેસાણા પાલિકાના ફૂડ વિભાગ દ્વારા પણ મહેસાણા પકોડી વાળાના ઘરોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવે તો મહેસાણાના નાગરીકોના સ્વાસ્થય સાથે પણ ચેડા થતા જણાય તો નવાઇ નહી હોય….


