અમદાવાદની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ 20 લાખ રૂપિયાની લાંચ લેતા આ બંને આરોપીઓને પકડી પાડ્યા છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, જ્યારે આશિષ કનૈયાલાલ પટેલ ગવર્મેન્ટ એપ્રુડ એન્જિનિયર છે
ગરવી તાકાત, અમદાવાદ તા. 03 – અમદાવાદની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ 20 લાખ રૂપિયાની લાંચ લેતા આ બંને આરોપીઓને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં હર્ષદભાઈ મનહરલાલ ભોજક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, જ્યારે આશિષ કનૈયાલાલ પટેલ ગવર્મેન્ટ એપ્રુડ એન્જિનિયર છે. આ બંને આરોપીઓએ ભેગા મળીને એક વ્યક્તિ પાસેથી 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી જોકે અંતે 20 લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ ફરિયાદીને પૈસા આપવા ન હોય એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકુ ગોઠવીને આશ્રમ રોડ પર આવેલી એક ઓફિસમાંથી બંનેને રંગે હાથ પકડી પાડ્યા છે.
ફરિયાદીની અમદાવાદ શહેરમાં પૂર્વજોની જમીનમાં મકાનો અને દુકાનો હતી. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કબજો લઈને તોડી પાડવામાં આવી હતી. મકાનો અને દુકાનોના ભાડુઆતો તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી. જેમાં એએમસી કચેરીએ જરૂરી પુરાવા રજૂ કરશે તો તેઓને કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે તેવી જાણ થઈ હતી. જે પછી તેઓ ગવર્મેન્ટ એપ્રૂવડ એન્જિનિયર આશિષ પટેલને મળ્યા હતા અને તેણે હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી. આ બધી બાબતની જાણ હર્ષદ ભોજકને કરવામાં આવતા તેણે કામ કરી આપવા માટે 50 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. તેમજ આશિષ પટેલને 10 લાખ રૂપિયા આપવાનું જણાવ્યું હતું. જોકે રકઝકને અંતે ફરિયાદીએ 20 લાખ રૂપિયા આપવાના નક્કી કર્યા હતા. ફરિયાદીને આ રકમ આરોપીને આપવી ન હોય એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકુ ગોઠવીને આશ્રમ રોડ પર આવેલી અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની જગ્યાની ઓફિસમાં બંને આરોપીઓને લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા હતા.