ગરવી તાકાત મહેસાણા : ઉત્તર ગુજરાતની અગ્રણી સંસ્થા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે યુનિવર્સિટીનો નવમો સ્થાપના દિવસ અત્યંત ઉત્સાહપૂર્વક અને ગૌરવ સાથે ઉજવાયો. કર્મવીર સ્વ. શ્રી સાંકળચંદ દાદાની પ્રેરણાથી બનેલ સાંકળચંદ પટેલ યુનિવર્સીટી હજારો વિદ્યાર્થીઓના સપનાને સાકાર કરવાનું તેમજ તેમના ભવિષ્યને નિર્માણ કરવાનું કાર્ય કરી રહી છે. માત્ર નવ વર્ષના ટૂંકાગાળામાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી મેડિકલ, હોમિયોપેથિક, આયુર્વેદિક, ડેન્ટલ, પેરામેડિકલ, ટેકનિકલ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર સાયન્સ, ફાર્મસી, ડિઝાઈનિંગ, સાયન્સ, કોમર્સ જેવા વિવિધ કોર્સીસ થકી વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાની સાથે સાથે સમાજના નાનામાં નાના વર્ગને આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચકક્ષાની સેવાઓ આપતી યુનિવર્સિટી તરીકે નામાંકિત થઈ છે.

આજના આ શુભ દિવસની ઉજવણીની શરૂઆત કર્મવીર સ્વ. શ્રી સાંકળચંદ દાદાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને થઈ હતી, ત્યારબાદ યુનિવર્સિટી ભવન ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું. સમારંભના મુખ્ય અતિથિ તરીકે માનનીય શારદાબેન પટેલ (પૂર્વ સાંસદ, મહેસાણા) અને માનનીય શ્રી સુનિલકુમાર (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ONGC મહેસાણા) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી, રજીસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી, સંલગ્ન સંસ્થાઓના ડિન અને પ્રિન્સિપાલ, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યા હતા.
આ અવસરે ઉપસ્થિત મહેમાનોના હસ્તે યુનિવર્સિટી કેમ્પસ ખાતે અનેક નવીન યોજનાઓ અને સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જેમાં નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સી.એસ.આર. ગ્રાન્ટ અંતર્ગત ONGC દ્વારા સ્પોન્સર ડિજિટલ CBCT એક્સ-રે મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનાથી આસપાસની જનતા માટે ડેન્ટલ અને મેક્સિલોફેસિયલમાં ચોક્કસ નિદાન અને સસ્તી સારવાર શક્ય બનશે. વધુમાં વિસનગરની આસપાસના આંતરળીય વિસ્તારની પ્રજાને દંત રોગોની ઘરઆંગણે સારવાર પૂરી પાડવાના હેતુસર મોબાઇલ ડેન્ટલ વાન ક્લિનિકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ગ્રીન કેમ્પસ અભિયાન અંતર્ગત પર્યાવરણીય લક્ષ્યોને ટેકો આપવા માટે સુએઝ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ જે આશરે 3-લાખ લિટર પાણીનું શુદ્ધિકરણ કરશે, જેનો ઉપયોગ કેમ્પસમાં આવેલ વૃક્ષોના ઉછેર માટે કરવામાં આવશે.

તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં પર્યાવરણની જાળવણીના હેતુસર વિદ્યાર્થીઓ દ્વારા એસેમ્બલ કરવામાં આવેલ ૨૫ ઈ-બાઈક સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે ફ્રી ઈ-બાઈક સ્ટેશનનું અનાવરણ કરવામાં આવ્યું. આધુનિક સુવિધાઓથી સજ્જ સ્વતંત્ર (IQAC) વિભાગની સ્થાપના અને નુતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ કોમ્યુનિકેશન ખાતે ઇ-વિદ્યા લેબ (લેકચર કેપચરિંગ રેકોર્ડિંગ સ્ટુડિયો) નો અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. વધુમાં વિસનગરની આસપાસના વિસ્તારમાથી આવતા વિદ્યાર્થીઓને વધુ સારી પરિવહન સુવિધા પૂરી પાડવા માટે નવીન વિદ્યાર્થી બસોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે સાંકળચંદ દાદાને યાદ કરતા જણાવ્યુ કે,

સ્થાપનના નવ વર્ષની ટૂંકી અવધિમાં યુનિવર્સિટી દ્વારા સંશોધન, સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક વિકાસના ક્ષેત્રે યુનિવર્સિટીએ ગુજરાત તથા દેશના અગ્રણી સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે તે સંદર્ભે તેમણે સમગ્ર સ્ટાફનો અભૂતપૂર્વ સહકાર અને સમર્પણ માટે આભાર વ્યક્ત કરતા તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા અને વિશ્વસ્તરે યુનિવર્સિટીનું નામ વધુ-ને-વધુ ઉજ્જવળ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.આ શુભ દિવસની સાંજે યુનિવર્સિટીના પ્રગતિમાર્ગે નોંધપાત્ર કામગીરી કરનાર શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ સભ્યોને તેમના ઉમદા કામ બદલ વિવિધ કેટેગરીઝમાં પ્રેસિડેન્સિયલ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યા હતા.સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સતત શિક્ષણ, આરોગ્ય અને સમુદાય પ્રગતિના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહી છે અને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની એક ખાસ ઓળખ બનાવવાના સંકલ્પ સાથે સ્થાપના દિવસની ઉજવણીની સમાપ્તિ થઈ હતી.