સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 66 નગરપાલિકા પૈકી માત્ર 3 નગરપાલિકા એવી છે કે જેનું એક પણ વીજ બિલ બાકી નથી
રાજ્યની અનેક નગરપાલિકા કંગાળ બનતા વીજ જોડાણ રદ કરવાની સ્થિતિ સર્જાઇ
ગરવી તાકાત, ગાંધીનગર તા. 11 – રાજ્યની અનેક નગરપાલિકા કંગાળ બનતા વીજ જોડાણ રદ કરવાની સ્થિતિ સર્જાઇ રહી છે. જેમાં તાજેતરમાં બે દિવસ પૂર્વે બોટાદ નગરપાલિકાનું વીજ જોડાણ રદ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 66 નગરપાલિકા પૈકી માત્ર 3 નગરપાલિકા એવી છે કે જેનું એક પણ વીજ બિલ બાકી નથી જયારે બાકીની 63 નગરપાલિકા એવી છે કે જેની પાસેથી પીજીવીસીએલને વોટરવર્કસના 316.89 કરોડ અને સ્ટ્રીટ લાઈટના 31.40 કરોડના વીજ બિલ 31.12.2022 સુધીના લેવાના બાકી છે. ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓમાં પણ ભાજપનું જ શાસન છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાઓ પણ સરકારને દેણામાં મૂકી રહી છે અને બાકી બીલો ભરવામાં ગલા તલા કરી રહી છે. એક પછી એક નગરપાલિકામાં વીજબીલ બાકી હોવાના કારણે વીજ જોડાણ રદ કરવામાં આવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. 
ત્યારે ગુજરાત સરકારે પણ નગરપાલિકાઓને વીજબીલ ભરી દેવા સૂચના આપી છે. તાજેતરમાં જ વીજબીલ બાકી હોવાથી બોટાદ નગરપાલિકાનું વીજ જોડાણ કંપની દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્ચ્છની 66 પૈકી ઉપલેટા, દ્વારકા અને વાંકાનેર નગરપાલિકાને બાદ કરતા તમામ નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ કે વોટર વર્કસના કોઈ ને કોઈ બિલ ભરપાઈ કરવાના બાકી બોલે છે. જેમાં 63 નગરપાલિકા એવી છે કે જેની પાસેથી વીજ કંપનીને વોટરવર્કસના 316.89 કરોડ અને સ્ટ્રીટ લાઈટના 31.40 કરોડના વીજ બિલ લેવાના બાકી છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર વરુણકુમાર બરણવાલ એ જણાવ્યું હતું કે, નગરપાલિકાઓ પાસેથી 316 કરોડથી વધુની વસુલાત કરવાની છે. છેલ્લા ઘણા સમયથી સમયાંતરે વીજ બિલ ભરવા માટે નગરપાલિકાને જાણ પણ કરવામાં આવી છે ભારત સરકારની આરડીએસએસ યોજના છે જે 7000 કરોડની છે.
જેમાં મુખ્ય એક શરત છે કે કોઈ પણ સરકારી લેણું બાકી ન હોવું જોઈએ. નગરપાલિકાનું બાકી લેણું સરકારી ગણી શકાય અને તે રેકોર્ડ ઉપર પણ જોઈ શકાય છે. માટે જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી ભારત સરકારની યોજનાનો અમને લાભ મળી શકતો નથી. આ માટે છેલ્લા એક મહિનાથી અમે કડક રીતે કામ કરી વોટર વર્કસ ના કનેક્શન અને સ્ટ્રીટલાઈટ કનેક્શન કાપી કડક કાર્યવાહી ચાલે છે. તમામ ઇજનેરોને સૂચના આપવામાં આવી છે કે છેલ્લું બિલ તાત્કાલિક ભરવા અને બાકી બિલની ચોક્કસ સમય મુદત આપી ભરપાઈ કરવાનું રહેશે. જો આ મુજબ કોઈ નગરપાલિકા સહયોગ નહિ આપે તો વીજ કનેક્શન કાપવામાં આવશે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં કુલ 12 સર્કલનો સમાવેશ થાય છે જેમાં રાજકોટ શહેરને બાદ કરતા તમામ 11 સર્કલ કે અમરેલી, અંજાર, બોટાદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ રૂરલ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે જેમાં 31.12.2022 સુધીમાં 348.29 કરોડના બિલ નગરપાલિકા દ્વારા ભરપાઈ કરવામાં આવ્યા નથી.


