મિ. મનુ ચોકસી ‘બ્લીસ વોટર પાર્ક’ના નિર્માણ માટે ઘણું ગૌચર ખાઇ ગયા !! મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સહિત મહેસુલ ખાતાનું મૌનવ્રત કેમ?
ગૌચરની જમીન પર તરાપ મારીને બેઠેલા ભૂમાફિયાઓને શું રાજકિય આકાઓ બળ પૂરૂ પાડી રહ્યાં છે?
સામાન્ય લોકો એક ઇંચ જગ્યા પણ દબાવે તો આખેઆખુ વહીવટીતંત્ર પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા નીકળી પડે છે
મનુ ચોકસી જેવા મોટા ગજાના ભૂમાફિયા સામે કલેકટર, એસ.પી. ટીડીઓ, ડીડીઓ સહિત વહીવટીતંત્રના અધિકારીઓની પીપૂડી અહીં કેમ વાગતી નથી?
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – રાજ્યમાં અવાર નવાર ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દબાણ કરી દેતા હોય છે. ગૌચર જમીન પર દબાણોને હટાવવા ગુજરાત હાઈકોર્ટમાં પણ અનેક અરજીઓ કરવામાં આવી છે. પરંતુ ભૂમાફિયાઓને રાજકિય આકાઓ બળ પુરૂ પાડી રહ્યાં હોય અથવા સરકારી બાબુઓની સાંઠગાંઠ હોવાના કારણે રાજ્યની અનેક સરકારી જમીન કે ગૌચરો વેચાઇ ગઇ છે અથવા તો ભૂમાફિયાઓ તેના પર અડીંગો જમાવીને બેઠા છે. જેમાં મહેસાણા નજીકના મોટીદાઉના સર્વે નં. 302 અને 305ની ગૌચરની જમીન સર્વે નં. 303ના માલિક મનુભાઇ ખોડીદાસ ચોકસી અને તેમના પરિવાર દ્વારા બ્લીસ વોટર પાર્કના નામે ખોટું બાંધકામ તાણી બાંધવામાં આવ્યું છે. ગૌચરમાંથી આવવા જવાના રસ્તા પણ બંધ કરેલ છે. ગૌચરમાં જવાના રસ્તા પર તોતિંગ ગેટ ઉભો કરી સિક્યુરીટી જવાનો અને માથાભારે માણસો બેસાડેલા હોવાની અનેક ફરિયાદો, અરજીઓ, રજૂઆતો મોટી દાઉ ગામના ગ્રામજનો મહેસાણા જિલ્લા કલેકટર, ડીડીઓ, ટીડીઓને કરી ચૂક્યાં છે પરંતુ ગૌચરની આ જમીન સત્ય શું છે તેની હકીકત બહાર લાવવામાં મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર પણ કાચુ કાપી રહ્યું છે.

મોટીદાઉના ગૌચરમાં સિક્યુરીટીમાં બેસાડેલા માણસો ઢોર ઢાંખર અંદર જવા દેતા નથી અને દાદાગીરી કરી અને કહે છે કે અહીંયા કોઇનું ગૌચર નથી. આ તો મમારી માલિકીની જમીન છે. ફરીથી અહીં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ પણ મોટી દાઉના ગ્રામજનોને આપવામાં આવી રહી છે તેથી કોઇ પશુપાલક અંદર જવાની હિંમત પણ કરતો નથી. જેથી મોટી દાઉના ગ્રામજનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ગૌચરની જમીન ઉપર દબાણ કરવાવાળા માથાભારે તત્વો ગૌચર પચાવી પાડવાવાળા ગૌચર પર બાંધકામ કરવાવાળા સામે લેન્ડ ગ્રેબીંનો ગુનો દાખલ કરી ડી.એલ.આર. પાસે માપણી કરાવી. સરકારી પંચોની સાક્ષીમા પંચનામું કરી લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત ગુનો દાખલ કરવાની પણ અરજ કરવામાં આવી છે. જ્યારે મોટી દાઉના ગ્રામજનોના મત મુજબ 303નાા માલિક મનુભાઇ ચોકસી વર્ષોથી રાજકારણમાં છે અને તેથી રાજકિય પક્ષોની બીકો બતાવતા ફરે છે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ મારું કશુ ઉખાડી શકવાના નથી.
ગુજરાતમાં 2 કરોડથી વધુ પશુઓ છે. 2 કરોડ પશુઓની સામે 8 લાખ હેક્ટર ગૌચર જમીન છે. પશુઓ માટે 43 લાખ હેક્ટર ગૌચરની જરૂર છે. ગુજરાતમાં વર્ષ 2015 માં ગૌચર જમીન પરથી દબાણ હટાવવા નિતિ બની હતી. નીતી પ્રમાણે પગલા ન ભરાતા દબાણો સતત વધ્યા હતા. વિકાસ કમિશનરે પરિપત્ર જાહેર કરીને ગ્રામ પંચાયતોને સૂચના આપી હતી સાથે જ દબાણો દૂર કરવાની સૂચના પણ આપી હતી. ગૌચરની જમીન પર ભૂમાફિયા વગને કારણે તરાપ મારીને બેઠા છે. સવાલ નીતિ અને પરિપત્ર બાદની એકશનનો છે. સવાલ એ છે કે ભૂમાફિયાને બળ કોણ આપે છે? સવાલ એ છે કે અબોલ પશુઓનો હક છીનવનારા સામે પગલા ભરવામાં હાથ કેમ બંધાયેલા છે?
સર્વે નં. 305માં આજથાી પાંચ વર્ષ પહેલા બ્લીસ વોટર પાર્ક બાંધકામ વખતે ગૌચરમાં ઉભેલા ઉભા વૃક્ષો લીમડા, દેશી બાવળ, ખીજડાના મોટા ઝાડ જડમૂળથી કાઢી નાખી ગૌચરમાં પાર્કિગ બનાવી દેવામાં આવ્યું છે તો સર્વે નં. 302ની ઉત્તરે 303 નંબર આવેલો છે. જે સર્વે નંબરવાળાએ 302ના ગૌચર ઉપર બાંધકામ કરી દબાણ કરી દીધેલ છે અને ગૌચરમાં આવવા જવાના રસ્તા બંધ કરેલા છે. આ જમીન બ્લીસ વોટર પાર્કને મસમોટા ભાડે આપેલ છે અને કરોડો રપિયાની કમાણી કરે છે જેથી આ ગૌચર પર થયેલા દબાણની તાત્કાલિક અસરથી તપાસ થાય અને ગૌચર ખુલ્લુ કરવામાં આવે તેવી ગ્રામજનો ઉગ્ર માંગ ઉઠાવી રહ્યાં છે.
અત્રે મહત્વની બાબત છે કે, મોટી દાઉના બ્લોક સર્વે નંબર 302 છે જે જમીનનો ઉપયોગ ગામના નમૂના નંબર 7માં જુની શરત મુજબ જુનો બ્લોક/ સર્વે નંબર 1006/ 1 પૈકી ર જુના સર્વે નંબરને લગત નોંધ નંબરો 2329 પ્રમાણે પ્રમોલગેશનની નોંધ નં. 8287ની તા. 27-09-2027 પણ નોંધ પડેલ છે. જેનો ગ્રામ પંચાયત ગૌચરમાં સ્પષ્ટ સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ ડિઝીટલ સિગ્નેચર રેવન્યુ ડીપાર્ટમેન્ટ ગર્વમેન્ટ ઓફ ગુજરાત મહેસાણા મામલતદાર ઓફિસની તા. 27-10-2023માં પણ નોંધ પાડેલી છે.


