ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં પશુઓ માટે જીવલેણ લમ્પી વાયરસના કેસ વધી રહ્યા છે. સોમવારે વધુ 6 પશુનાં મોત થયાં. આ સાથે મોતનો આંકડો 34એ પહોંચી ગયો. જ્યારે બનાસકાંઠામાં દાંતીવાડા કૃષિ યુનિ.માં લમ્પીથી 19 અને પાટણ જિલ્લામાં 3 પશુઓનાં મોત થયાં. સોમવારે ખેરાલુ તાલુકામાં 3, મહેસાણા, વિસનગર અને વડનગર તાલુકામાં એક-એક મળી કુલ 6 પશુનાં મોત થયાં હતાં.
જ્યારે વધુ 186 શંકાસ્પદ કેસ સરકારી ચોપડે નોંધાતાં જિલ્લામાં લમ્પીના કુલ 974 એક્ટિવ કેસ થયા છે. સામે 37 પશુઓ સાજા થઈ રિકવર થયા. પશુઓ માટે જીવલેણ સાબિત થયેલા લમ્પી વાયરસના કેસ વધતાં પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની કામગીરી તેજ કરાઇ છે. જે અંતર્ગત જિલ્લામાં નોંધાયેલા પશુઓમાં રસીકરણ પૂરું કરી દેવાયું છે. હાલમાં જિલ્લામાં અંદાજે 92 હજાર જેટલા પશુઓમાં રસીકરણ બાકી છે.