13મેના રોજ બનેલી ઘટનામાં બે યુવાનો તળાવમાં ડૂબતા અન્ય ત્રણ યુવાનો બચાવવા માટે પડ્યા હતા
પ્રત્યેક મૃતકના પરિવારજોને હનુનામજીની સંવેદના રાશિ રુપે 20 હજાર રૂપિયાની આર્થિક સહાય
ગરવી તાકાત, બોટાદ તા. 17- બોટાદમાં તળાવમાં ડૂબી ગયેલા પાંચ યુવાનોના પરિવારને મોરારિબાપુ દ્વારા આર્થિક સહાય કરવામાં આવી છે. 13મેના રોજ બનેલી ઘટનામાં બે યુવાનો તળાવમાં ડૂબતા અન્ય ત્રણ યુવાનો બચાવવા માટે પડ્યા હતા, આ તમામના ડૂબી જવાથી મોત થઈ ગયા હતા. આર્થિક મદદની સાથે બાપુ તરફથી શાલ પણ પહોંચાડવામાં આવશે.
13 મેના રોજ બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલાં 5 યુવાનોનાં ડુબવાના સમાચારે સમગ્ર બોટાદ જિલ્લામાં હાહાકાર મચાવી દીધો હતો. તળાવમાં ન્હાવા પડેલાં 2 યુવાનોને ડુબતા જોઈને અન્ય 3 યુવકો બચાવવા માટે તળાવમાં પડ્યા હતા. આ ઘટનામાં પાંચ આશાસ્પદ યુવાનોનાં પાણીમાં ડૂબી જતાં મૃત્યુના સમાચાર મળ્યા હતા જેને લઈને રામકથાકાર મોરારિબાપુ દ્રારા શ્રધ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી હતી.
પ્રત્યેક મૃતકના પરિવારજોને હનુનામજીની સંવેદના રાશિ રુપે 20 હજાર રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે. ત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા મૃતકોના નજીકના સગાના બેન્ક એકાઉન્ટમાં આ રાશિ જમા કરવામાં આવશે. બોટાદના મહેન્દ્રભાઈ મહેતા અને હીરાભાઈ દ્વારા આ સહાયતા રાશિ તેમજ કાળી શાલ પૂજ્ય બાપુ વતી પહોંચાડવામાં આવી છે.
છેલ્લા થોડાં દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માત અને કુદરતી આપદાની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. અગાઉ સુરત અને બારડોલી વચ્ચે એક કારને ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના છ લોકોના મૃત્યુ થયા હતા. મોરારિ બાપુએ આ ઘટના તરફ શોક વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને રૂપિયા 11 હજાર લેખે કુલ મળીને રુપિયા 66 હજારની સહાય અર્પણ કરી હતી.