ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી મહેસાણા જિલ્લામાં ઊંઝા ઉમિયા માતાજીના તેમજ તરભ વાળીનાથના દર્શન કરી રાજ્યના સુખ,શાંતિ અને સલામતી માટે પાર્થના કરી હતી.આ પ્રસંગે ઊંઝા સહિત તરભના વાળીનાથ ખાતે ભવ્ય સ્વાગત કરતાં મંત્રી પર પુષ્પવર્ષા કરી, ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે ગુજરાતની શાંતિ, સલામતિ અને ભાઇચારા માટે અમારી સરકાર સંકલ્પબધ્ધ છે. રાજયના લોકો ગમે તે જગ્યાએ ભયમુક્ત વાતાવરણમાં હરી ફરી અને રહી શકે તે અમારી સરકારની પ્રાથમિકતા છે. મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, લોકોના આશીર્વાદથી અમારા મોવડી મંડળે મને રાજયના ગૃહ મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે તેના ભાગ રૂપે તમામ આગેવાનોનો સાથ અને સહકાર મળી રહેશે.
ગૃહરાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે અનેક આફતો સમયે ધાર્મિક સંસ્થાઓની કરેલ કામગીરીને નજીકથી જોવાના અવસર મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે નાગરિકોના સમસ્યાઓનો ઝડપથી ઉકેલ આવે તે દિશામાં કામ કરાઇ રહ્યું છે. આ પ્રસંગે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ મણીલાલ પટેલ (મમી) ધારાસભ્ય ડો આશાબેન પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર,કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ,અગ્રણી જશુભાઇ પટેલ,અગ્રણી એમ.એસ.પટેલ, પુર્વ ધારાસભ્ય નારાયણભાઇ પટેલ, વાળીનાથ ગાદીના સંતો, સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.