ગરવી તાકાત મહેસાણા: મહેસાણા જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારમાં પશુ ચોરી કરતી ટોળકી સક્રિય થતાં અનેક ગામોમાંથી પશુ ચોરીની ઘટના બનતાં લોકોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. આવા ગુનેગારોને જેલભેગા કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. રેન્જ આઈજી ભૂપેન્દ્ર ચૂડાસમા અને મહેસાણા જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા પી.આઈ. પારખીએ પોતાની ટીમને સૂચના આપી આવા ગુનેગારોને ઝડપી પાડવા કમર કસી હતી.
બાદમાં તાલુકા પોલીસના પીએસઆઇ એમ.બી.વાઘેલા અને તેમની ટીમ ઢોર ચોરીના ગુના અટકાવવા તેમજ શોધવા અંગે પેટ્રોલિંગ પર હતા. એ દરમિયાન પશુ ચોરી કરતા ઈસમો અંગે બાતમી મળી હતી જેમાં એક પીકઅપ ડાલુ વિસનગર રોડ બાજુથી મહેસાણા તરફ આવનાર છે. જે બાતમી આધારે મહેસાણા તાલુકા પોલીસે બાસણા પાસે આવેલી નહેર પાસે વોચ ગોઠવી હતી. જ્યાં પીકઅપ ડાલું આવતા તેને રોકાવ્યું હતું. પોલીસ તપાસમાં ડાલાના ચાલક અને તેના સાથીદારે બામોસણા અને ફતેપુરા ગામેથી ભેંસોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે બે ભેંસ અને એક નાનું બચ્ચું પોતાના કબ્જે લીધું હતું. હાલમાં પોલીસે કુલ ૫ લાખ ૭૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર મામલે પશુચોરી કરતો અલ્પેશ ઠાકોર અને હીરા ઠાકોર ચોરી કરેલી ભેંસો અકબર અલી નામના વેપારીને વેચતા હતા. હાલમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા