–– એલ.આર.ડી.પરીક્ષા એસ.ટી.ને ફળી : રૃ.28.26 લાખની આવક નોંધાઈ :
— વિભાગના 12 ડેપોએથી 736 શીડયુલ્ડ દોડાવી હજારો મુસાફરોનું પરિવહન :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા એસ.ટી.વિભાગના ૧૨ ડેપોથી લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતુ. જેમાં ૩૪૫ શીડયુલ્ડ ના સંચાલનથી ૨૩,પપપ ભરતીના ઉમેદવારોનું પરિવહન કરવાના પગલે એસ.ટી.ને બે દિવસમાં રૃ.૨૮.૨૬ લાખની તોતિંગ આવક નોંધાઈ હતી. તો વળી, વિભાગની એક દિવસની આવક પણ વિક્રમજનક રૃ.૧ કરોડથી વધુ નોંધાવા પામી હતી.
મહેસાણા એસ.ટી.ડિવિઝન દ્વારા પ્રસિધ્ધ બહુચરાજી માતાજી મંદિર અને યાત્રાધામ અંબાજી માતાજી મંદિરના દર્શનાર્થીઓ તેમજ સામાન્ય મુસાફરો માટે ૧૨ ડેપો ખાતેથી ગત ૧૧ એપ્રિલના રોજ ૭૩૬ શીડયુલ્ડ ટ્રીપો દોડાવવામાં આવી હતી. જેનાથી મહેસાણા વિભાગને દૈનિક ઐતિહાસિક રૃ.૧ કરોડની ધીંગી આવક થવા પામી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર રૃટીન દિવસોમાં દૈનિક આવક અંદાજે રૃ.૬૫ થી ૭૦ લાખ જેટલી થતી હોય છે.
તેવી જ રીતે, ગત રવિવારે યોજાયેલી લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાના ઉમેદવારોનાં પરિવહન માટે ૩૪૫ શીડયુલ્ડના એક્સ્ટ્રા બસોના સંચાલનથી વિભાગને રૃ.૨૮,૨૬,૧૬૩ જેટલી તોસ્તાન આવક સત્તાવાર નોંધાઈ હતી. આ વધારાની બસો મારફતે કુલ ૨૩,૫૫૫ જેટલાં ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવાની સાથે રીટર્ન લાવવામાં આવ્યાં હોવાનું ડીટીઓ ઈન્દ્રવદન નાઈએ જણાવ્યું હતુ.
જો કે, છેલ્લાં બે વર્ષથી કોરોનાની મહામારીમાં પ્રસિધ્ધ યાત્રાધામો બંધ રહેતાં અને પ્રવાસ-યાત્રા પણ બંધ રહેવાના લીધે એસ.ટી.ની આવકને ફટકો પડયો હતો. કોરોનાના વળતા પાણીના પગલે સરકારની આંશિક શરતોને આધીન છૂટછાટમાં લોકોએ પ્રવાસ ખેડવાનું શરૃ કરી દેતાં એસ.ટી.ની આવકમાં ધરખમ વધારો થયો હતો. તેમજ ખાનગી વાહનોનાં ભાડા અને પેટ્રોલ-ડીઝલ મોંઘા બનતાં પણ લોકો એસ.ટી.તરફ વળતાં આવક વધી હોવાનું જાણવા મળ્યું હતુ.