આધુનિક ટાઉન હોલ, ગેસ્ટ હાઉસ, ભોજનાલય, નવિન ઓફિસ સહિત નિર્માણ કરાશે
ગરવી તાકાત, મહેસાણા – ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડોને આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવવામાં આવી રહી છે. એપીએમસીમાં આવતાં ખેડૂતોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે હેતુથી માર્કેટયાર્ડો સુવિધાસભર બનાવવામાં આવી રહ્યા છે. જેમાં હવે મહેસાણા માર્કેટયાર્ડને પણ રૂા. ૧૩ કરોડના ખર્ચે અદ્યતન રૂપરંગથી સજ્જ કરવામાં આવશે. મહેસાણા ખાતેના દાયકા જૂના માર્કેટયાર્ડની હાલત ખખડધજ થઇ જવા પામી છે. ત્યારે સરકારના સહકારથી સહકારી ક્ષેત્રનું અગ્રીમ સ્થાન ધરાવતાં મહેસાણા માર્કેટયાર્ડનું આધુનિકરણ કરવામાં આવનાર છે. જેને લઇને મહેસાણા એપીએમસીનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેસાણા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન રામભાઇ પટેલ, વાઇસ ચેરમેન દિપકભાઇ પટેલ, તથા ડીરેકટર્સ ઉપસ્થિત રહ્યા હતા. 
આ અંગે માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન દિપકભાઇએ જણાવ્યું હતું કે, મહેસાણા એપીએમસી આધુનિક સવલતોથી સજ્જ કરવામાં આવશે. એપીએમસીના આધુનિક નિર્માણ માટે રૂા. ૩.૫૦ કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. જેથી માર્કેટયાર્ડના હિસ્સે અદ્યતન એપીએમસી બનાવવા ૧૩ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
જ્યારે વધુમાં દિપકભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા ખાતે બનવા જઇ રહેલા આધુનિક એપીએમસી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં ૪૦૦ બેઠકો ધરાવતો ટાઉન હોલ તૈયાર કરવામાં આવનાર છે. આ ઉપરાંત એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની અલગ ઓફિસો બનાવવામાં આવશે. ૧૦૦૦ થી વધુ ખેડૂતો મજૂરો ભોજન કરી શકે તેવુું અદ્યતન ભોજનાલય બનાવવામાં આવશે. બહારથી યાર્ડમાં પોતાનો માલ વેચવા આવનાર ખેડૂતો માટે ગેસ્ટ હાઉસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. નવિન ગેસ્ટહાઉસ બનાવાશે તેમજ સમગ્ર મહેસાણા માર્કેટયાર્ડ સંકુલને વાઇફાઇની સુવિધા મળી રહે તે પ્રકારનું મહેસાણાનું દાયકા જૂનું માર્કેટયાર્ડ કરોડો રૂપિયાના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે.


