વડનગરના વલાસણા હાઇવે પાસેથી લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો મહેસાણા એલસીબીની ટીમે ઝડપી પાડ્યાં
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યોં
વડનગર તાલુકાના ઉણાદ ગામે ત્રણ શખ્સો ભેગા મળી ઢોર બાંધવાના તબેલામાં ધાડ પાડી હતી
Sohan Thakor – મહેસાણા તા. 01 – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડનગર પોલીસ પેટ્રોલીંગ દરમિયાન વડનગર તાલુકાના વલાસણ રોડ તરફથી સિપોર તરફ જઇ રહેલા બાઇક પર સવાર બે શંકાસ્પદ શખ્સોને અટકાવી પુછપરછ કરતાં ઉણાદ ગામમાં આવેલા તબેલામાંથી અનાજની ચોરી કરવા જતાં તબેલાનો માલિક જાગી જતાં તેની સાથે ઝપાઝપી કરી ઇજાઓ પહોંચાડવાના કિસ્સામાં વડનગર પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ લૂંટનો ફરિયાદ નોંધાવા પામી હતી. જે ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યાં હતા.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ આર.જે. ધડુકના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી પીએસઆઇ એચ.એલ.જોષી તથા એએસઆઇ રાજેન્દ્રસિંહ, દિલીપસિંહ, હેકો. સાબીરખાન તથા રાકેશસિંહ, પાર્થકુમાર, ભાવિકકુમાર સહિતનો સ્ટાફ વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સિપોર ત્રણ રસ્તા પાસે આવતાં એએસઆઇ રાજેન્દ્રસિંહ તથા દિલીપસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે,
વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 394, 397, 511 મુજબના લૂંટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ બજાજ પ્લેટીના બાઇક નંબર જીજે.09-સીઇ-2128 પર સવાર થઇને વલાસણા ગામ તરફથી હાઇવે રોડ સિપોર તરફ આવી રહ્યાં છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે સિપોર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાઇક પર બે શખ્સો આવતાં એલસીબીની ટીમે તેમને અટકાવી બાઇકના કાગળો માંગતાં બે શખ્સોએ ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતા. જ્યારે વધુ પુછપરછ દરમિયાન તેઓએ ઠાકોર રાકેશ કડવાજી રહે. ઉણાદ ગામની સીમમાં તા. વડનગર તેમજ બીજા શખ્સ ઠાકોર મિતેશજી અમરતજી રહે. ઉણાદ, બસ સ્ટેન્ડ પાસે, તા. વડનગરવાળો હોવાનું જણાવ્યું હતું.
જેમાં વધુ ખુલાસો કરાવતાં ઉપરોક્ત બે ઇસમો તથા ઠાકોર યુવરાજ પ્રવિણજી ત્રણેય જણાએ ભેગા મળી પ્લેટીના મોટર સાયકલ લઇને ચૌધરી દિપકભાઇ એભેરાજભાઇ રહે. ઉણાદ તા. વડનગરવાળાના ઢોર બાંધવાના તબેલામાંથી ત્રણેય શખ્સો ભેગા થઇ અડદ ભરેલા કોથળા ઉપાડી તબેલાની બહાર જઇ રહ્યા હતા. આ દરમિયાન ચૌધરી દીપકભાઇ અચાનક જાગી જતાં અંધારામાં ઝપાઝપી કરી ફરિયાદી ચૌધરી દિપકભાઇને ઇજાઓ પહોંચાડી મોટર સાયકલ લઇ ત્રણે શખ્સો ભાગી ગયા હોવાની કબુુલાત કરતાં એલસીબીએ બે શખ્સોની અટકાયત કરી વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુુનાનો ભેદ ઉકેલી નાખ્યોં હતો.


