ચોરીનું બાઇક લોડીંગ રીક્ષામાં ભરીને બહુચરાજી તરફ આવતાં ઝડપી લેવાયાં
પોલીસે ઓનલાઇન એપમાં તપાસ કરતાં બાઇક રાજકોટ પંથકમાંથી ચોરી થયાનું માલુમ પડ્યું
ગરવી તાકાત, મહેસાણા તા. 04 – છ માસ અગાઉ રાજકોટ રૂરલ રેલવે કોલોનીમાંથી એક મોટર સાયકલ ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જે ચોરીનું મોટર સાયકલ છકડો રીક્ષામાં ભરીને બહુચરાજી રોડ પરથી પસાર થતાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે લોડીંગ રીક્ષા ચાલકને અટકાવી બાઇક બાબતે પુછપરછ કરતાં શખ્સે આ ચોરીનું બાઇક અને છ માસ અગાઉ ચોરી કરી હોવાનું કબુલતાં બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બહુચરાજી પોલીસને સોપવામાં આવ્યાં હતા. 
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતાં અહેવાલો મુજબ ગત રોજ એલસીબી પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ રાજેન્દ્રસિંહ, કેરસીસિંહ, દિલીપસિંહ, પિયુષભાઇ, સંજયકુમાર, મહેશકુમાર સહિત સ્ટાફ બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન રાજેન્દ્રસિંહ અને સંજયસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ લોડીંગ રીક્ષામાં હીરો કંપનીનું નંબર પ્લેટ વિનાના મોટર સાયકલ લઇને બહુચરાજી તરફ આવી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે વોંચ ગોઠવી હતી.
આ દરમિયાન બાઇક ભરીને આવતાં લોડીંગ રીક્ષા ચાલકને અટકાવી પુછપરછ કરી હતી જેમાં ડ્રાઇવરની પાસે બેઠેલા શખ્સની પુછપરછ કરતાં તેને કહ્યું હતું કે, મારુ નામ સિપાઇ શાહરુખ બીસુભાઇ રહે. વણોદ, તા. દસાડા, જીલ્લો સુરેન્દ્રનગરવાળો હોવાનું અને મોટર સાયકલ રીપેરીંગ કરવા માટે લઇ જઇ રહ્યા છીએ. જ્યારે મોટર સાયકલ બાબતે કાગળ સહિતની પુછપરછ કરતાં તેને આ મોટર સાયકલનો અસલી નંબર જીજે૧૪એક્યુ-૩૨૭૭ હતો જેની પોલીસે ઓનલાઇન એપ્લીકેશનમાં તપાસ કરતાં આ બાઇક રાજકોટ રૂરલના જેતલસર રેલવે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બાઇકનો કબજાે લઇ સિપાઇ શાહરુખ બીસુભાઇ, તથા રાજાસીંગ નારસીંગ બાધા રહે. થરા ઇન્દીરાનગરવાળા વિરુદ્ધ ગુનો નોંધી બંન્ને આરોપીઓને બહુચરાજી પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.


