ચેક પરત ફરવાના કેસમાં આરોપીને સજા અને 3 લાખની રકમ ચૂકવી દેવાનો કરેલો હુકમ
પૂજા સ્ટુડીયોના માલિક પાસેથી ઉછીના લીધેલ 3 લાખનો રકમ પરત ન કરતાં કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 09- સંબંધમાં ઉછીના નાણાં આપ્યાં બાદ પરત ન આપવાના મામલે અનેક લોકોને કોર્ટે તકસીરવાન ઠરાવીને ચેકની રકમ પરત કરવાના અને ચેક રીટર્ન મામલે અનેક લોકોને સજા ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે મહેસાણાના જ્યુડિશીયલ કોર્ટમાં વધુ એક ચેક રીટર્ન કેસનો મામલો સામે આવતાં ઉછીના આપેલા તેની સામે લીધેલો 3 લાખનો ચેક નાણાં અભાવે પરત ફરતાં મહેસાણા જ્યુડિશીયલ કોર્ટે આરોપીને ત્રણ લાખ રુપિયાની રકમ ફરિયાદીને ચૂકવી આપવાના અને આરોપીને 1 વર્ષ સાદી કેદની સજા ફટકારતો હુંકમ કર્યો છે. 
આ કેસની ટુંકી વિગત મુજબ મહેસાણાના શાન્તી ભવન ફલેટ, સ્વામિ નારાયણ મંદિરની સામે, મોઢેરા રોડ ખાતે રહેતા અને પૂજા મોડલીંગ સ્ટુડીયોના માલિક પટેલ માણેકલાલ રણછોડદાસે તેમના સ્ટુડીયોમાં કામ કરતાં અને તેમના મિત્ર એવા પટેલ રાજેશભાઇ હરીભાઇ રહે. 37, સોમેશ્વર બંગ્લોઝ, ગ્રીન પાર્કની બાજુમાં ટહુકો પાર્ટી પ્લોટની સામે, મહેસાણા ખાતે રહેતા હોઇ તેમને કેટલાક સમય પહેલા હાથ ઉછીના પેટે પટેલ રાજેશભાઇને 3 લાખ રુપિયા ઉછીના આપ્યાં હતા.
જેના બદલામાં પટેલ રાજેશભાઇએ પટેલ માણેકલાલને ધી મહેસાણા અર્બન કો. ઓપ બેન્ક લી. મહેસાણા શાખાનો ચેક આપેલો હતો. આ દરમિયાન પટેલ રાજેશભાઇની ઉછીના આપેલી ત્રણ લાખની રકમનો સમય પૂર્ણ થવા છતાં ઉછીના નાણાંની ચૂકવણી કરી ન હતી. જે મામલે ફરિયાદી માણેકલાલે અવાર નવાર તેમની પાસે ઉઘરાણી કરી હતી પરંતુ તેઓ વારંવાર બહાના બતાવતાં હોય આખરે ફરિયાદી પટેલ માણેકલાલે આખરે ધી મહેસાણા અર્બન બેંકનો આપેલો ચેક બેંકમાં ભર્યો હતો જે ચેક નાણાં અભાવે પરત ફર્યો હતો. જે અંગેની ફરિયાદ ફરિયાદીએ ના.કોર્ટ મહેસાણા ખાતે કર્યો હતો.
જે કેસ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી એસ.ડી.કાપડીયાની કોર્ટમાં ચાલી જતાં એડવોકેટ શ્રી જી.આર.ચૌહાણની ધારદાર દલીલોને આધારે આરોપી રાજેશભાઇ પટેલને ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ 3 લાખ રુપિયા પરત કરી દેવાનો હુકમ કર્યો હતો.


