થરાદ તાલુકાના એક ગામમાં ભાગથી ખેતી કરતા પરિવારની ૧૯ વર્ષની યુવતી પોતાના ખેતરમાં રહેતી હતી. ગત તા.૦૪/૦૮/૨૦૧૮ ના રોજ રાત્રિના સુમારે વાળુ પાણી કરીને બધાં બહાર ખુલ્લામાં સુઇ રહેલ હતાં. આ વખતે રાત્રિના એક વાગ્યાના સુમારે તેમના ખેતરની બાજુમાં રહેતો અને ખેતમજુરી કરતો થરાદના દુધવા ગામનો નાથાભાઇ મોડાભાઇ નામનો શખસ તેણીના ઢાળીયે આવીને મોઢું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપુર્વક અપહરણ કરીને લઇ ગયો હતો. તેમજ અલગઅલગ જગ્યાએ ફેરવી વિરમગામ પાસે આવેલા ભડાણા ગામે તબેલામાં ઓરડીમાં રાખી બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યા બાદ આ વાત કોઇને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તા.૯/૯/૨૦૧૮ના રોજ પરિવારજનો શોધતા શોધતા આવી જતાં તેણીને છોડાવીને લઇ ગયા બાદ થરાદ મથકમાં ફરિયાદ નોંધાવતાં હવસખોર સામે ગુનો નોંધાયો હતો. જે કેસ તપાસના અંતે ચાર્જસીટ સાથે દાખલ થતાં કેસ એડીશનલ સેસન્સ જજ બી.એસ.પરમારની કોર્ટ થરાદમાં મંગળવારે ચાલી ગયો હતો.જેમાં એ.પી.પી.આર.ડી.જાેષી દ્વારા સરકાર તરફે ધારદાર દલીલો કરતા નામદાર એડી.સિવીલ જજ બી.એસ.પરમાર દ્વારા તેને ગ્રાહ્ય રાખી ઉપરોક્ત ગુનાના કામે નાથાભાઇ મોડાભાઇ રહે.દુધવા તા.થરાદને તકસીરવાર ઠેરવી સાત વર્ષની સખત કેદ અને ૧૦ હજારના દંડની સજા ફરમાવી હતી. તેમજ દંડ ન ભરેતો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.