હત્યા કે આત્મહત્યા?: પાટણમાં બોયઝ હોસ્ટેલમાં યુવક અને યુવતીની લાશ મળવા મામલે પોલીસે તપાસ શરૂ કરી, બન્નેના વિશેરા ટેસ્ટિંગ માટે મોકલ્યા
ગરવી તાકાત, પાટણ તા. 31 – પાટણ શહેરમાં આવેલી જે. ડી બોયઝ હોસ્ટેલના એક રૂમમાંથી યુવક અને યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસે બંનેના મૃતદેહોનો કબજો લઈને પીએમ માટે ખસેડ્યા છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન યુપીનો અને યુવતી પાટણની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ શહેરના દેવદર્શન કોમ્પલેક્સના ત્રીજા માળે ચાલતી જે.ડી.બોયઝ હોસ્ટેલના 312 નંબર ના રૂમમાંથી યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવ્યાં હતા. જેમાં યુવક પંખા પર ફાંસો ખાઈ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે યુવતી બેડ પરથી મૃત હાલતમાં મળી આવી હતી. આ બનાવ અંગે હોસ્ટેલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બંનેના મૃતદેહનો કબજો લઈ પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યા હતા.
પોલીસ દ્વારા બંને મૃતકોના ઓળખપત્ર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન રાહુલ કુમાર સુરેન્દ્રસિંગ ઉ.20 વર્ષ રહે યુપીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે યુવતી પાટણ શહેરના જુનાગંજ બજારમાં આવેલ જોષીની ખડકીમાં રહેતી જોષી ધ્વનિ રાજેશ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને મૃતકોના કબજામાંથી મોબાઈલ પણ મળી આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવ સજોડે આત્મહત્યાનો છે, કે હત્યાનો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો પીએમ બાદ યુવક અને યુવતીની લાશને ધારપુર હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.હાલ માં પોલીસે એડી નોંધી તપાસ કરી રહી છે. દેવદર્શન કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલી જે. ડી.બોયઝ હોસ્ટલના સીસીટીવી પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણની જે ડી બોયઝ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા અને હોસ્ટેલનું સંચાલન કરતા રાજુભાઈ માધાભાઈ નામના યુવકે જણાવ્યું હતું કે, રાહુલ કુમાર અને જોશી ધ્વનિ બંને ગુરુવારે હોસ્ટેલમાં રૂમ લેવા માટે આવ્યાં હતા, પરંતુ બોયઝ હોસ્ટેલ હોવાથી અમે યુવતી નહીં રોકાઈ શકે તેમ કહેતા તેમણે માત્ર રાહુલને જ રોકાવાનું છે તેમ કહેતા અમે એક રૂમ ફાળવ્યો હતો. બીજે દિવસે રાહુલ કુમારે રૂમ માંગતા તેને 312 નંબરનો રૂમ ફાળવીને હું ક્લાસીસમાં ગયો હતો. જ્યાંથી પરત હોસ્ટેલ ઉપર આવીને આરામ કરવા રૂમમાં ગયો હતો. બાદમાં ત્રણ વાગે રૂમ નંબર 312 માં જોતા રાહુલ કુમારની લાશ પંખે લટકી રહી હોવાનું જોતાં જ મેં રૂમનો દરવાજો બંધ કરીને હોસ્ટેલના માલિક તથા પોલીસને જાણ કરી હતી. પોલીસ આવ્યા બાદ રૂમમાં તપાસ કરતા યુવકની સાથે ધ્વનિ જોશી નામની યુવતીની પણ લાશ હોવાનું સામે આવ્યું હતું.
આ કેસના તપાસનીશ અધિકારી પીઆઇ આર કે સોલંકીએ જણાવ્યું હતું કે, યુવતીના શરીર ઉપર કોઈ ઈજાઓના નિશાન નથી જેથી હાલમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જેથી તેના વિસેરા ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ અંગેનું ચોક્કસ કારણ જાણી શકાશે હાલમાં આ બનાવ હત્યાનો હોય તેવું કંઈ જણાઇ આવ્યું નથી. સિવિલ હોસ્પિટલમાં બન્ને લાશનું પેનલ ડોકટર થી પી એમ કરવામાં આવ્યું હતું. પેનલ ડોકટર થી પી એમ કરનાર ડોક્ટરએ જણાવ્યું હતું કે, યુવતીના શરીર પર કોઈ ઘા ના નિશાન ન હતા. યુવક ના ગાળા ના ભાગે નિશાન હતા. બન્ને ના વિશેરા લઈ મોકલી આપ્યા છે તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.