મહેસાણા : બહુચરાજી તાલુકાના મોઢેરા ગામે 10 દિવસ પૂર્વે બે દુકાનોમાં તાળાં તોડી રોકડની ચોરી તેમજ મકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર ગેંગનો મહેસાણા LCBની ટીમે પર્દાફાશ કરી બાળકિશોર સહિત બે શખ્સોની ધરપકડ મોઢેરાની ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. મોઢેરા ગામે બે દુકાનો અને એક મકાનનું તાળું તૂટતાં ગ્રામજનોએ ભારે રોષ અને ઢોલ નગારા સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ, એક જ રાતમાં ચોરીની ઘટનાઓને અંજામ આપનાર ગેંગને ઝડપી પાડવા મહેસાણા LCB પીઆઇ નરેન્દ્રસિંહ વાઘેલાએ પીએસઆઇ એન.પી. પરમાર સહિતની ટીમો બનાવી હતી. ત્યાં એએસઆઇ શૈલેશકુમાર અને હે.કો. નિલેશકુમારને બાતમી મળી કે, મહેસાણા પરામાં ઊભેલા બે શખ્સો મોઢેરા ચોરી કરીને રોકડા રૂપિયા લાવ્યા. જે આધારે ટીમે ત્યાં પહોંચી કરણ સરતાનભાઈ દેવીપુજક (રહે. હાલ સધી માતાના મંદિર પાસે, છાપરામાં, પ્રદૂષણ પરાની પાસે, મહેસાણા)
અને એક બાળકિશોરને રૂ.5 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા તેમની પૂછપરછ કરતાં હિંમતનગરના પાણપુર પાટિયા પાસે રહેતા શંકર લક્ષ્મણભાઈ બજાણીયા અને અનિલ ઉર્ફે અર્જુન લક્ષ્મણભાઈ બજાણીયા સાથે મળી 15 મેના રોજ મોઢેરામાં ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે હિંમતનગરના બંનેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી.


