ગરવી તાકાત મહેસાણા
મહેસાણા મોઢેરા માર્ગને કરોડો રૂપિયાના ખર્ચે નવા રંગરૂપ આપીને ચકાચક બનાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ્ નુગર બાયપાસથી મહેસાણા શહેરને જોડતો આ ફેરલેન માર્ગ એક તરફ્થી દ્વિમાર્ગીયમાંથી ડામર ઉખડી જવાના કારણે એક માર્ગીય થઈ જતા વાહનચાલકોને પોતાનું વાહન કઈ તરફ્ હંકારવું તે પ્રશ્ન થઈ પડયો છે. જ્યારે આ માર્ગેથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકોને તો સતત અકસ્માતના ભયના ઓથાર હેઠળ માર્ગ પસાર કરવો પડે છે. સરકારી તંત્ર એક તરફ્ માર્ગ સુરક્ષાના નામે મહિના સુધી તાયફ કરે છે બીજી તરફ્ રાજ્યના બાંધકામ વિભાગની બેદરકારીએ આ માર્ગે મોટો અકસ્માત સર્જાય તેવી સંભાવનાઓ રહેલી છે.
મહેસાણા- મોઢેરા માર્ગનું નવનિર્માણ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણા સ્થિત રાજ્ય માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ઘર આંગણે ગણાતા નુગર બાયપાસથી દેદિયાસણ અને મોઢેરા ચોકડી સુધી જર્જરીત થઈ ગયેલા માર્ગનું સમારકામ કરવામાં આળસ કરવામાં આવતી હોવાનું જણાઈ આવે છે. નુગર બાયપાસથી મહેસાણા શહેર તરફ્ આવવાનો આ બે માર્ગીય રસ્તો તેની મધ્યમાંથી ડાબી તરફ્ ખૂબ લાંબા અંતર સુધી ડામરની પક્કડ છોડી ચૂક્યો છે. જેને લઈને આ માર્ગેથી પસાર થતાં સેંકડો વાહન ચાલકોને હાલાકી ભોગવી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે.
ખાસ કરીને દ્વિચક્રી વાહન લઈને પસાર થતાં વાહનચાલકોને ડામરની તિક્ષણ થઈ ગયેલી ધાર પરથી ક્યારેક વાહન પસાર કરવું પડે છે ત્યારે વાહન ફ્ંગોળાઈને પડી જાય તેવી સ્થિતિ ઊભી થતી હોય છે. એટલું જ નહીં ક્યારેક કાર કે મોટા વાહનોના ટાયર અહીં ડામર ન ધારે કટ પર આવી જાય તો ટાયર ફટી જવાના બનાવ પણ નોંધાયા હોવાનું અમુક વાહન ચાલકોએ જણાવ્યું હતું.
તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરાય તેવી માંગ બળવત્તર બની
નુગર બાયપાસથી દેદિયાસણ થઈને મહેસાણા શહેરમાં આવવાનો રોડ ડામર ઉખડી જવાથી એક માર્ગીય થઈ ગયો છે. જેને લઇને આ માર્ગેથી વાહન લઈને પસાર થતા લોકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જેથી આ માર્ગને તાત્કાલિક ધોરણે રીપેર કરીને સમતલ કરાય તેવું આ માર્ગેથી દૈનિક વાહન લઈને પસાર થતાં લોકોએ માગણીને બળવત્તર બનાવી છે.
તંત્ર દ્વારા માર્ગ સુરક્ષાની ઉજવણી અને વાતો કરાય પણ સુરક્ષિત માર્ગો અપાતા નથી
સરકારી તંત્ર દ્વારા ગત મહિનામાં માર્ગ સુરક્ષા માસની મોટા ઉપાડે ઉજવણી કરાઈ હતી. જે ઉજવણીના પ્રચાર પ્રસાર પાછળ પણ મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ સરકારના બીજા એવા બાંધકામ તંત્ર દ્વારા અકસ્માત રહિત સુરક્ષિત માર્ગો આપવામાં યોગ્ય કાર્યવાહી નહીં થતી હોવાની ફરિયાદ પણ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે.