નાગરિકોની સુખાકારીમાં વધારવા રેલવે લાઇનને બ્રોડગેજમાં ફેરવવાની કામગીરી પ્રગતિમાં : ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત
મહેસાણા અને પાટણ જિલ્લામાં મળી કુલ 24,907 ચો.મી. જમીનનું સંપાદન કરાયું
28 ખેડૂતોને જમીન સામે કુલ 2,07,99,616 રૂપિયા વળતર ચૂકવાયું
ગરવી તાકાત, મહેસાણા તા. 11- રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા અને નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે રેલવે મંત્રાલય દ્વારા રાજ્યમાં મીટરગેજ લાઈનને અગ્રતાના ધોરણે બ્રોડગેજમાં ફેરવવાની કામગીરી ચાલી રહી છે, તેમ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. 
વિધાનસભા ગૃહ ખાતે મહેસાણા અને પાટણ જિલ્લામાં રેલ્વે લાઈન માટે જમીન સંપાદન કરવાની કામગીરી અંગે સભ્યશ્રી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મહેસૂલ વિભાગના પ્રશ્નનો મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કટોસણ-બેચરાજી-ચાણસ્મા-રણુજ રેલવે લાઇનના ગેજ કન્વર્ઝન માટે મહેસાણા અને પાટણ જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 31-12-2022ની સ્થિતિએ મહેસાણા જિલ્લામાં 22,792 ચો.મી. જમીનનું અને પાટણ જિલ્લામાં 2115 ચો.મી. જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે.
મંત્રી શ્રી રાજપૂતે પેટા પ્રશ્નોના જવાબમાં વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં જમીન સંપાદન સામે 21 ખેડૂતોને કુલ 2,03,12,173 રૂપિયા વળતર ચૂકવવામાં આવ્યું છે. જ્યારે પાટણ જિલ્લામાં જમીન સંપાદન સામે 7 ખેડૂતોને કુલ 4,87,443 રૂપિયા વળતર ચૂકવવામાં આવ્યું છે.


