બહુચરાજી વિધાનસભા ક્ષેત્રમાં આવતા રાધનપુર રોડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
સ્ટ્રીટ લાઇટો, ભૂર્ગભ ગટર, પાણીના નિકાલની વ્યવસ્થા સહિતની અનેક સમસ્યાઓ
અનેકવાર વહીવટીતંત્ર તેમજ રાજકિય આગેવાનોને રજૂઆતો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિરથી લઇ ડી-માર્ટ સુધીના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે તેમજ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી. ભૂર્ગભ ગટર બાબતે પણ આ વિસ્તારમાં રાવ ઉઠી રહી છે. આમ કરોડો રૂપિયાના મકાન દુકાનોની જ્યાં કિંમત છે ત્યાં વહીવટીતંત્રના અભાવે પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.
બહુચરાજી વિધાનસભા ક્ષેત્રમાં આવતા રાધનપુર રોડ કે જે આજે મહેસાણાના સૌથી મોઘા પ્રોપર્ટી માર્કેટ તરીકે ઓળખાય છે. રાધનપુર રોડ પર સિંધુ ભવન રોડ પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણ વંચિત રહેવા પામ્યો છે. જેમાં ભૂર્ગભ ગટર, પાણીનો નિકાલ, મુખ્ય રોડ પરની સ્ટ્રીટ લાઇટો, રાધનપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરથી લઇને ડી-માર્ટ સર્કલ સુધીની તમામ સ્ટ્રીટ લાઇટો છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં ભાસી રહી છે. આ સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. રાત્રે અંધારપટ જેવો માહોલ છવાય જાય છે. ખાલી શોભાના ગાંઠિયા સમાન થાંભલા ઉભા કરી દેવામાં આવેલ છે. જેના લીધે ત્યાં અવાર નવાર અકસ્માતો સર્જાય છે.
અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી. બિલ્ડરોની મનમાની તથા તેમને છાવરવાનું કામ આ સરકાર કરી રહી છે. આ રોડ પર મકાન કે દુકાનોની કિંમતો કરોડો રૂપિયામાં અંકાય છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓના નામે દિવા તળે અંધારૂ છે. વિકાસના નામે લોકો સાથે વિશ્વાસઘાત થાય છે. ત્યારે આ બાબતે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો રેલી સ્વરૂપે બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરના કાર્યાલય, કલેકટર કાર્યાલય તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યાલય ખાતે ધરણા કરવાની ચીમકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી પાર્થ અનિલકુમાર રાવલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.