પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં જે ખેડુતોએ યોગ્ય ડોકયુમેન્ટ દર્શાવ્યા નથી કે યોજનાના નિર્ધારિત માપદંડમાં ન આવતા હોય છતાં લાભ મેળવી રહ્યાં છે
આવા ખેડુતો પાસેથી કરોડો રૂપિયાની રીકવરી સરકાર દ્વારા કરવામાં આવશે
નવી દિલ્હી તા. 29 – પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં જે ખેડુતોએ યોગ્ય ડોકયુમેન્ટ દર્શાવ્યા નથી કે યોજનાના નિર્ધારિત માપદંડમાં ન આવતા હોય છતાં બે હજાર રૂપિયાની સમયાંતરે મળતી સહાયનો લાભ લીધો છે તેવા અત્યાર સુધીમાં સાડા ચાર લાખથી વધુ ખેડુતો હોવાનું કૃષિ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. આવા ખેડુતો પાસેથી કરોડો રૂપિયાની રીકવરી સરકાર દ્વારા કરવામાં આવશે.

પીએમ કિસાન સન્માન યોજનામાં અનેક ખેડૂતો એવા છે જે યોજનાના નિયમો છે તેનો ભંગ કરીને લાભ લેતા હોવાનું કૃષિ વિભાગની જાણમાં આવ્યું છે. વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જે ખેડૂતો ઈન્કમટેકસ રિટર્ન ભરતા હોય તેમને યોજનાનો લાભ મળી શકતો નથી છતાં તપાસમાં આવા ખેડૂતોએ પણ બે હજાર રૂપિયાની સહાય લીધી હોવાનું બહાર આવ્યું છે. તેવીજ રીતે કોઈ ખેડુતે જમીન પોતાના નામે હોય અને વેચી નાખી હોય તેમને પણ નિયમિત રીતે મળતી સહાય કેન્દ્ર સરકાર દ્વારા તેમના ખાતામાં ચૂકવાઈ ગઈ છે.
સાત-બારના ઉતારામાં નામ ના હોય કે અન્ય માપદંડમાં ના આવતા હોય છતાં સહાય મેળવનારા ખેડુતો હોવાનું ધ્યાન પર આવ્યું છે. વિભાગની ચાલતી તપાસની પ્રક્રિયામાં આવી ખોટી રીતે સહાય મેળવનારા ખેડુતો પાસેથી રીકવરી કરવામાં આવશે. હાલ 57થી58 લાખ ખેડુતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળે છે. તેમાંથી લગભગ સાડા ચાર લાખથી વધુ ખેડુતોએ અયોગ્ય રીતે લાભ લીધો છે. તેમને મળતી સહાય પ્રમાણે આ રકમ કરોડો રૂપિયામાં થવા જાય છે.
જે પરત લેવામાં આવશે. કેન્દ્ર સરકારને આવા ખેડૂતોની જાણ કરાય છે અન્ય કોઈ કાર્યવાહી કરાતી નથી. કૃષિ વિભાગના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે આ રૂટીન પ્રક્રિયા છે અને જો ખેડુત પોતે યોગ્ય પુરાવા રજૂ કરે અને તે નિયમ મુજબ સહાય મળવાને પાત્ર થતો હોય તો તે આપી પણ દેવામાં આવે છે. લેન્ડ સીલીંગ, પ્રમોલગેશનના કારણે કે કેટલાક કિસ્સામાં એક ગામમાં જમીન વેચી નાખી હોય તો તેને સહાય ન મળે પણ બીજી જગ્યાએ ખેતીની જમીન તેના નામે હોવાના પુરાવા આપે તો પુન: સહાય અપાય છે.


