ગ્રેડપે આંદોલનમાં સામેલ 229 પોલીસકર્મી વિરૂધ્ધ તપાસ હાથ ધરાઈ – પુર્વ IPS સવાણીએ કહ્યુ, શુ નાના પોલીસ કર્મચારીઓને પણ દેશદ્રોહી ઘોષિત કરવામાં આવશે ?

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં પોલીસના ગ્રેડ પે મામલે પોલીસકર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે. પોલીસની માંગોને લઈ રાજ્ય સરકારે એક કમીટીની રચના કરી છે. પરંતુ કેટલાક પરિવારો આ કમીટીરૂપી લોલીપોપને સ્વીકારવા તૈયાર નથી. જેથી તેમને આંદોલન ચાલુ રાખ્યુ હતુ પરંતુ પોલીસબળ વાપરીને તેમને ખસેડી દેવામાં આવ્યા હતા.  આ મામલે ગુજરાતના પોલીસના આદોંલનમાં જોડાનારા રાજ્યના કુલ 229 પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ તપાસના આદેશ અપાયા છે. ઉપરાંત વિવિધ 27 પોલીસકર્મીઓ વિરૂધ્ધ 10 ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે.

રાજ્ય પોલીસવડાએ પોલીસના ગ્રેડ પે વધારાના આંદોલન મામલે સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ મુકી દીધો છે.  તો બીજી તરફ પોલીસના પ્રશ્નોના નિરાકરણ કરવાના હેતુથી પોલીસ દાદ ફરિયાદ નિવારણ સમિતિ અમલમાં છે, જે મુજબ આજદિન સુધી રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં કુલ 298 દાદ ફરિયાદ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત પોલીસજવાનોની રજૂઆતના નિરાકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 163 બેઠકોનું આયોજન કરી 488 સંવાદ આયોજન કરવા ઉપરાંત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે વિચારણા કરવા 1689 જેટલા સંવાદ કાર્યક્રમો કરાયા છે.

ગુજરાતના પોલીસવડાએ  અપીલ કરી હતી કે, પોલીસ કે તેમના પરિવારને કોઈ રજૂઆત હોય તો આ બાબતે બનાવેલી સમિતિ સમક્ષ શિસ્ત વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ કરે નહીં. જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો તેની વિરુદ્ધ કાયદા હેઠળ ગુનો દાખલ કરાશે.

સરકારે ‘કમિટી’ની રચનાનું ગાજર આંદોલનકર્તાઓ સામે લટકાવી દીધું છે : પુર્વ IPS રમેશ સવાણી

પોલીસના આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરાતા રાજ્યના પુર્વ IPS રમેશ સવાણીએ ભ્રષ્ટ IPS અધિકારીઓઓની ભુમીકા ઉપર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે, શુ હવે નાના પોલીસ કર્મચારીઓને પણ દેશદ્રોહી ઘોષિત કરવામાં આવશે? પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ પોલીસના આંદોલનને કચડવામાં આવ્યુ છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમીટી ઉપર પણ તીખા સવાલ કરતાં જણાવ્યુ છે કે,પોલીસના નાના કર્મચારીઓને સરકારના બીજા કર્મચારીઓની સરખામણીમાં ઓછો પગાર મળે છે; તે માટે કમિટીની રચના કરવાની જરુર પડે ખરી? પોલીસને પાંચ વરસ સુધી ફિક્સ પગાર ચૂકવાય છે; પૂરો પગાર ચૂકવવા ગુજરાત હોઈકોર્ટે આદેશ કર્યો છતાં પૂરો પગાર ચૂકવાતો નથી; એની જાણકારી કમિટીની રચના કરનારને નહીં હોય? કમિટીમાં જેમની નિમણૂંક થઈ છે તે અધિકારીઓને નહીં હોય? પોલીસના નાના કર્મચારીઓ સાથે છેતરપિંડી કરવા જ કમિટીનું ગાજર લટકાવવાનું? પોલીસના પરિવારજનો આંદોલન કરે તો ‘ગુજરાત મોડલ’માં ગોબો પડે, દેશમાં ગુજરાતની આબરુ જાય એટલે આંદોલનને કચડી નાંખ્યું છે. શું સત્તાપક્ષને લોકશાહીની એલર્જી છે? ‘ગુજરાત મોડલ’માં આંદોલનને કચડી નાખવાની નીતિ છે ! હવે દેશભરમાં આ નીતિનો અમલ થઈ રહ્યો છે. એટલે જ CAA/કિસાન આંદોલન કરનારાઓને દેશદ્રોહી ઠરાવી દેવામાં આવે છે ! શું ગુજરાત પોલીસના નાના પોલીસ કર્મચારીઓને પણ દેશદ્રોહી ઘોષિત કરવામાં આવશે?

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.