ડબલ હત્યાના કેસમાં પેરોલ પર છૂટ્યાં બાદ નાસતાં ફરતાં ફરાર આરોપી પાલાવાસણા સર્કલ પાસેથી દબોચી લેવાયોં
2019માં 9 આરોપીઓએ ભેગા મળીને રામપુરા કુકસ ગામે બે લોકોની હત્યા કરતાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી
સાબરમતી જેલમાંથી પેરોલ પર જામીન પર છૂટ્યાં બાદ મુદત્ત પુરી થઇ હોવા છતાં હાજર થયો ન હતો અને નાસતો ફરતો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 05 – મહેસાણાના રામપુરા(કુકસ) ગામ ખાતે અવૈધ સંબંધોની બબાલમાં વર્ષ – 2019 માં નવ આરોપીઓએ ડબલ મર્ડરનાં ગુનાને અંજામ આપતા વર્ષ – 2022 માં તમામને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી હતી. જે ગુનામાં પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા એક આરોપીને ગાંધીનગર એલસીબીએ મહેસાણાથી ઝડપી લઈ ફરી ફરી સાબરમતી જેલમાં ધકેલી દીધો છે.
મહેસાણાનાં રામપુરા(કુકસ) ગામની સીમમાં રહેતા નિકુલ ગણેશજી ઠાકોરે 3જી ફેબ્રુઆરી 2019ના રોજ ગામના નવ આરોપીઓ સામે હત્યાની મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર ફરિયાદીના કૌટુંબિક ભાઈ અને મરણજનાર અર્જુનજી અગરજી ઠાકોર ત્રીજી ફેબ્રુઆરી 2019ની રાત્રે આરોપી સોમાજી ઠાકોરને વિધવા સાથે કઢંગી હાલતમા જોઈ જતા હોબાળો થયો હતો. જેનાં પગલે નિકુલજી ઠાકોરના પિતા ગણેશજી નેનાજી ઠાકોર પણ ત્યાં ગયા હતા અને આરોપીને ઠપકો આપ્યો હતો. આ અંગેની જાણ આરોપીના ઘરે થતા અન્ય આરોપીઓએ તેનું ઉપરાણું લઈ ધોકા તેમજ છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામા અર્જુનજી અગરજી ઠાકોર અને ગણેશજી નેનાજી ઠાકોરને છરીના ઘા વાગતા 108 એમ્બ્યુલન્સમાં મહેસાણા સિવિલ લઈ જવાયા હતા. જ્યાં તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા. ડબલ મર્ડરની ઘટનાના પંથકમા ઘેરા પડઘા પણ પડયા હતા.
જ્યારે તાલુકા પોલીસે નિકુલજી ઠાકોરની ફરિયાદ આધારે વિરસંગજી ઉર્ફે વિરલજી સોમાજી ઠાકોર (રહે. હાલ રહે- સાંગણપુર ગામની સીમ જશુભાઇ ચૌધરીના બોરકુવા ઉપર તા.જી-મહેસાણા મુળ રહે-રામપુરા કુકસ, મહેસાણા) સહિત વિપુલજી ઉર્ફે મુકેશજી જેસંગજી ઠાકોર, વિક્રમજી ઉર્ફે ટીનાજી જેસંગજી ઠાકોર, સુરેશજી છનાજી ઠાકોર, રામાજી પુંજાજી ઠાકોર, વિનોદજી સોમાજી ઠાકોર, રાજુજી કાંતિજી ઠાકોર, જેસંગજી સોમાજી પુંજાજી ઠાકોર, રામાજી ઉર્ફે ભગત કાંતિજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ કેસમાં ઓગસ્ટ – 2022 માં ઉક્ત તમામ આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, વિરસંગજી ઉર્ફે વિરલજી સોમાજી ઠાકોર પેરોલ ઉપર બહાર આવી ગયો હતો. અને નિયત સમય મર્યાદા પરત અમદાવાદ મધ્યસ્થ જેલમાં નહીં જઈને નાસતો ફરતો હતો. બીજી તરફ લાંબા સમયથી પેરોલ/ફર્લો જમ્પ કરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ગાંધીનગર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીએ આપેલ સૂચનાનાં પગલે એલસીબી પીઆઈ એચ પી પરમારની ટીમે કોમ્બીંગ ઝુંબેશ હાથ ધરી હતી.
જે દરમિયાન બાતમી મળેલ કે, ઉક્ત ડબલ મર્ડરનાં ગુનામાં પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આજીવન કેદની સજાનો આરોપી વિરસંગજી ઉર્ફે વિરલજી ઠાકોર મહેસાણા પલસાણા ચોકડી પુલ પાસે આવેલ ગેરેજ ઉપર બાઇક રિપેર કરાવવા જવાનો છે. જેનાં પગલે એલસીબીએ વોચ ગોઠવીને આરોપીને ઝડપી લઈ પાછો અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.