ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં સેવાલીયા રોડ પરની વિઠ્ઠલપાર્ક સોસાયટીમાં રહેતી મહિલા સોમવારે રાત્રે ઘર બંધ કરી આંગણામાં સૂઇ ગયા હતા, ત્યારે ઓશીકા નીચે મૂકેલી ચાવી લઇ ઘરમાં ચોરી કરનાર શખ્સને જાગી ગયેલી મહિલા જોઇ જતાં તેમને ચાકુ બતાવી ભાગી ગયો હતો.
પોલીસે મહિલાની ફરિયાદના આધારે ચોરને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ રૂ.7150નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.વિસનગરના સેવાલીયા રોડ પર વિઠ્ઠલપાર્ક સોસાયટીમાં રહેતાં દેવીપૂજક આશાબેન કનુભાઇ તેમના પતિ ઘરે ન હોઇ સોમવારે રાત્રે મકાન બંધ કરી ઘર આગળ ખાટલો નાંખી સૂઇ ગયા હતા.
રાત્રે બે વાગે અવાજ આવતાં તેઓ જાગી ગયા હતા અને ઘરનો દરવાજો ખુલ્લો જોતાં ઊભા થયેલ મહિલાને આ શખ્સે ચાકુ બતાવી આગળ આવતી નહીં, તારા ઘરમાં મુકેલ રૂપિયા અને દાગીના આપી દે નહીંતર ચાકુ મારી દઇશ તેમ કહેતાં ડરી ગયેલ મહિલા ઉભા રહેતાં આ શખ્સ ભાગી ગયો હતો. તપાસ કરતાં પેટીમાં મુકેલ પ્લેટીનિયમનું મંગલસુત્ર, રૂ.2700 રોકડ અને એક મોબાઇલ આ શખ્સ ચોરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
જે અંગે આશાબેને મંગળવારે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેને પગલે પીઆઇ એસ.એસ. નિનામા, એએસઆઇ બળવંતસિંહ સહિત સ્ટાફે ચોરની શોધખોળ હાથ ધરતાં વડનગરી દરવાજા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં પકડાયેલ મસ્તાનનગરના ફકીર આનમહંમદ જાનમહંમદ નામના શખ્સની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. પોલીસે અટકાયત કરી મુદ્દામાલ રિકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.