મંદિરના મહંત જયરામગિરિ બાપુની રજતતુલા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધર્મસભાનું આયોજન કરાયું હતું
યજ્ઞમાં 12 હજાર કિલો ઘી તેમજ 1800 કિલો અબીલ-ગુલાલ અને કંકુનો ઉપયોગ
12 વીઘા જમીનમાં તૈયાર કરાયેલી યજ્ઞશાળામાં 3300 દંપતીઓ જોડાયાં
ગરવી તાકાત, વિસનગર તા. 19 – વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે રવિવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે 1100 કુંડાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞનો શુભારંભ થયો હતો. ત્રણ દિવસમાં 6.70 લાખ ભક્તો ઊમટ્યા હતા.તેમજ મંદિરના મહંત જયરામગિરિ બાપુની રજતતુલા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધર્મસભાનું આયોજન કરાયું હતું.
સવારે મંગલાચરણ બાદ 1100 કુંડાત્મક અતિરૂદ્ર મહાયજ્ઞનો શુભારંભ કરાયો હતો. સવારે સાડા દસ વાગે યજમાનોને યજ્ઞશાળામાં મંડપ પ્રવેશ કરાવાયો હતો. મંદિરના મહંત જયરામગિરિ બાપુ સહિત સંતો પણ જોડાયા હતા. 12 વીઘા જમીનમાં તૈયાર કરાયેલી યજ્ઞશાળામાં 3300 દંપતીઓ જોડાયાં છે, જેઓ પાંચ દિવસ સુધી યજ્ઞ સહિતની ધાર્મિકવિધિમાં ભાગ લેશે. યજ્ઞમાં 12 હજાર કિલો ઘી તેમજ 1800 કિલો અબીલ-ગુલાલ અને કંકુનો ઉપયોગ કરાશે.
યજ્ઞશાળાની સન્મુખ અઢી લાખ રુદ્રાક્ષથી મહાશિવલિંગ નિર્માણ કરાયું છે. મહંત જયરામગિરિ બાપુની રજતતુલા કરાઇ હતી. સાંજે ધર્મસભામાં દેશભરમાંથી સંતોએ હાજરી આપી હતી. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કેરવાનો વેશ, ગરબો, શિંકરી મેલમ નૃત્ય, હુડો રાસ, લાવણી નૃત્ય, ગામીત ઢીલ નૃત્ય સહિતના કાર્યક્રમો રજૂ કરનાર કલાકારોએ પોતાની કલાથી શ્રોતાઓના મન મોહી લીધા હતા. મહંત જયરામગિરિ બાપની રજત તુલા કરાઇ, શ્રદ્ધાળુઓથી શિવધામ ઊભરાયું, ધર્મસભામાં દેશભરમાંથી સંતોએ હાજરી આપી.
વડીલો અને સંતો માટે 15 ઇ-રિક્ષા મૂકાઇ વાળીનાથ ધામમાં સિનિયર સિટીઝન્સ અને સાધુ-સંતો માટે ઇ-રિક્ષાની વ્યવસ્થા કરાઇ છે. જેમને હાઇવે પરના પાર્કિંગથી વાળીનાથ ધામ સુધી લાવવા અને મુકવા માટે ઉપયોગ કરાઇ રહ્યો છે. હાલમાં 15થી વધુ ઇ-રિક્ષા કાર્યરત કરાઇ છે, જરૂર પડશે તેમ તેમ રિક્ષાની સંખ્યા વધારવામાં આવશે.