ગરવી તાકાત ગાંધીનગર : ગાંધીનગરમાં રૂપાલ ગ્રામ પંચાયતની સામે ઘર આગળ પાર્ક કરેલું એક્ટિવાને એક શખ્સે આંગ ચાપી દીધી હતી. બાઈક સવાર ઈસમે એક્ટિવા પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ પેથાપૂર પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. ત્યારે થોડા દિવસ અગાઉ સેકટર – 6 માં પણ બાઈક અને એક્ટિવાને અસામાજિક તત્વો આગ ચાંપીને નાસી ગયાની ઘટના ઘટી હતી. ગાંધીનગરના રૂપાલ ગ્રામ પંચાયતની સામે મોટો માઢમાં વિપુલ મણિલાલ શુક્લ પરિવાર સાથે રહે છે. જેમને સંતાનમાં બે દીકરીઓ અને એક દિકરો છે. જેમની મોટી દીકરી રાયસણ ખાતે IAR માં અભ્યાસ કરે છે. જે કોલેજ આવવા જવા માટે એક્ટિવાનો ઉપયોગ કરે છે.
ગત. 7 મી જુનના રોજ તેમની દીકરી એક્ટિવા લઈને સવારે કોલેજ ગઈ હતી. જે સાંજના પોણા છ વાગ્યાના અરસામાં ઘરે પરત આવી હતી. જેણે એક્ટિવા ગ્રામ પંચાયતની સામે ઘર આગળ પાર્ક કર્યું હતું. બીજા દિવસે પરિક્ષામાં રજા હોવાથી તે કોલેજ ગઈ ન હતી. ત્યારે તા. 8 મી જૂનના રોજ રાત્રીના સમયે પરિવારજનો ઘરમાં સૂઇ રહ્યા હતા. એ વખતે રાત્રીના ત્રણેક વાગે વિપુલભાઈના માતા સુભદ્રાબેન અચાનક જાગી ગયા હતા. જેમણે ઘરની બહાર પાર્ક કરેલું એક્ટિવામાં આગ લાગી હોવાનું જોઈ પરિવારના સભ્યોને ઊઠાંડયા હતા.
બાદમાં પરિવારના સભ્યોએ ભેગા મળીને પાણી છાંટીને એક્ટિવામાં લાગેલી આગ બુઝાવી દીધી હતી. બીજા દિવસે વિપુલભાઈએ પંચાયતના સીસીટીવી ચેક કરતાં અઢી વાગ્યાના અરસામાં એક બાઈક સવાર ઈસમ બાઈક લઈને એક્ટિવા પાસે આવ્યો હતો અને કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટીને એક્ટિવા સળગાવી બાઈક લઈને નાસી જતો હોવાનું જોવા મળ્યું હતું. જોકે, અંધારાના કારણે તેનો ચહેરો કે બાઈકનો નંબર જોવા મળ્યો ન હતો. આ અંગે પેથાપૂર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.