ગુજરાતમાં પાંચ વર્ષમાં 1300 સરકારી બાબુઓએ સરકારમાં રહીને સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવ્યોં

May 19, 2023

છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક વિભાગોમાં નબળા મંત્રીઓના કારણે અધિકારી રાજ વધ્યું છે

2022ના વર્ષમાં પ્રથમ વર્ગના 9 અધિકારી અને બીજા વર્ગના 30 જેટલા કર્મચારીઓ સામે ગુના નોંધાયા હતા

ગરવી તાકાત, તા. 19- ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 1300 કરતાં વધુ સરકારી બાબુઓ સરકારમાં રહીને સરકારી તિજોરીને કરોડો રુપિયાનો ચૂનો લગાવ્યાં હોવાનો ખુલાસો થયો છે. ભ્રષ્ટ સરકારી બાબુઓ પોતાના ફરજનો દુરઉપયોગ કરીને બેનામી સંપત્તિ એકઠી કરવાના સમયાંતરે ખુલાસા થયા છે.  ગાંધીનગરના પૂર્વ કલેકટર અને સનદી અધિકારી એસ.કે. લાંગા સામે તેમના કાર્યકાળ દરમિયાન જમીન પ્રકરણમાં સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના આરોપસર છેવટે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે સરકારી અધિકારીઓ- કર્મચારીઓ સરકારમાં જ રહીને સરકારી તિજોરીને વર્ષે કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા હોવાનો વધુ એક ઘટસ્ફોટ થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક વિભાગોમાં નબળા મંત્રીઓના કારણે અધિકારી રાજ વધ્યું છે. તેના કારણે પણ તંત્રમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે. એન્ટી કરપ્શન બ્યૂરોના છેલ્લા પાંચ વર્ષની કાર્યવાહીમાં પણ 1300 જેટલા સરકારી અધિકારી- કર્મચારીઓ, વચેટિયાઓ ઝડપાયા છે.

એસીબી સમક્ષ જે ફરિયાદ આવે અને કાર્યવાહી થાય તેમાં પ્રથમ વર્ગથી લઈને ત્રીજા વર્ગના કર્મચારી અને વચેટિયાઓને પણ ઝડપી લેવામાં આવતા હોય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી કેટલાક સનદી અધિકારીઓ પણ સરકારી હોદ્દા પર રહીને વિવાદાસ્પદ કામગીરી બજાવતા હોવાનું બહાર આવ્યું છે. 2022માં પણ સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર અને સનદી અધિકારી કે. રાજેશની જમીન પ્રકરણમાં જ ભ્રષ્ટાચાર બદલ સીબીઆઈએ ધરપકડ કરી હતી. અમદાવાદના એક પૂર્વ કલેકટરે નિયમો અવગણીને શહેરની જમીન ખોટી રીતે બીનખેતી કરી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તેમાં સચિવાલય સુધી રજૂઆત થઈ હતી.

અમદાવાદના અન્ય એક પૂર્વ કમિશનર જે રીતે વહીવટ કરતા હતા તેના કારણે તેમની છાપ ખરડાઈ હતી. આ બન્નેની છેવટે બદલી કરી દેવાની સરકારને ફરજ પડી હતી. ગુજરાત જમીન વિકાસ નિગમના એમડી કનૈયાલાલ દેત્રોજાએ કરોડોની મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યા બાદ કુલ પાંચ અધિકારીઓ સામે કૌભાંડ ફરિયાદ કરવામાં આવી હતી અને કૌભાંડ એટલું વ્યાપક હતું કે નિગમ જ બંધ કરી દેવાની ફરજ પડી હતી. 2021માં એસીબીએ નિવૃત મામલતદાર વિરમ દેસાઈ કરોડોની બેનામી મિલકત હોવાનો પર્દાફાશ કર્યો હતો.

કેટલાક વિભાગોના ટેન્ડરમાં એવી રીતે ગોલમાલ થાય છે કે તેમાં વિભાગના વડાની સામેલગીરી ના હોય તો તેમની જાણ બહાર કરોડો રૂપિયાની મલાઈ તારવી લેવાતી હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 1300 જેટલા કેસ એસીબી દ્વારા સરકારી અધિકારી-કર્મચારીઓ સામે નોંધવામાં આવ્યા છે. 2022ના વર્ષમાં પ્રથમ વર્ગના 9 અધિકારી અને બીજા વર્ગના 30 જેટલા કર્મચારીઓ સામે ગુના નોંધાયા હતા. દર વર્ષે સરેરાશ અઢીસોથી વધુ સરકારી અધિકારી- કર્મચારીઓ સામે લાંચ, અપ્રમાણસરની મિલકત સહિતના ગુના નોંધાતા હોય છે. જેના કારણે પ્રમાણિકતાથી ફરજ બજાવતા કર્મચારીઓ અને સમગ્ર તંત્રની પણ છાપ ખરડાતી હોય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0