ભાવનગરમાં સગીર દીકરી ગર્ભવતી થતા પિતાએ જ હત્યા કરી નાંખી

શેર કરવા અહીં ક્લિક કરો.

પાલીતાણાનાં વડાળ ગામેથી સગીરાની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીરાને ગર્ભ રહી જતા પિતાએ જ તેને સીમમાં લઇ જઇને ગળેફાંસો આપીને હત્યા કરી છે. પોલીસે સગીરાની લાશને પીએમ માટે ખસેડી છે. જ્યારે હત્યારા પિતાની અટકાયત કરી ભરતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર બાદ આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે. નોંધનીય છે કે, ૧૦મી તારીખે પિતાએ જ પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, દસમી ફેબ્રુઆરીના રોજ ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં મૂળ યુપીના રામદત રામસજીવન શાહુ નામના વ્યક્તિએ પોતાની સગીર દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં ચોંકાવનારા અનેક ખુલાસા સામે આવ્યા છે. સગીર પુત્રીનો મૃતદેહ વડાળ ગામના સીમ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સગીરાનો મૃતદેહ મળી આવ્યા બાદ તપાસમાં કડકાઇ રાખતા મોટા ખુલાસા સામે આવ્યાં હતા. જેમાં સગીરાને ચારથી પાંચ મહિનાનો ગર્ભ રહી ગયો હોવાથી પિતાએ જ પુત્રીની ગળા ફાંસો આપી હત્યા કરી નાખી હતી.

જે બાદ ભરતનગર પોલીસે સગીરાના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. જ્યારે હત્યારા પિતાની અટકાયત કરી ભરતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. થોડા સમય પહેલા પણ ભાવનગરમાં સગીરા પર અત્યાચારની ઘટનાએ ચર્ચા જગાવી હતી. ભાવનગરની સગીરવયની યુવતીનું કાળીયાબીડ વિસ્તારમાંથી ઈકો ગાડીમાં અપહરણ કરી રાત્રે નેશનલ હાઈવે પર ચાલુ ગાડીએ દુષ્કર્મ ગુજરવામાં આવ્યું હતુ. કાળીયાબીડ ભગવતી સર્કલ ખાતેથી સગીરવયની છોકરીનું તેના પરિચીત શખ્સ મનસુખ ભોપાભાઈ સોલંકી (રહે.કાળીયાબીડ, પ્લોટ નં.૪૩૭૮, શાંતિનગર-૧, શ્રીજી હોલની પાછળ, ભાવનગર) એ ઈકો ગાડીમાં અપહરણ કરી તેના બીજા અન્ય મિત્રો સંજય છગનભાઈ મકવાણા (રહે.ત્રાપજ વાવની બાજુમાં) અને મુળ બિહારનો (હાલ ત્રાપજ), ખોડીયાર હોટેલ મુસ્તુફા સાઈનુલક શેખએ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મોડીરાત્રીના કારમાંજ આ ત્રણે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું.

જેમાં ત્રણે શખ્સોને પોલીસે ઝડપી લીધા બાદ ભાવનગર પોલીસે ગેંગરેપના ત્રણે આરોપીઓ સામે માત્ર ચોવીસ કલાકમાં જ ચાર્જશીટ દાખલ કરી તમામ આરોપીઓને જેલ હવાલે કરી દીધા હતા.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.