માણસા : ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર તંત્રની ટીમે માણસા તાલુકાના છેલ્લોવાસ-અનોડીયા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટ્ટમાં આકસ્મિક દરોડો પાડ્યો. મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચનાથી કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ થયો.
રોયલ્ટી ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં કરવામાં આવેલી રેડ દરમિયાન નદી પટ્ટ વિસ્તારમાં ભૂ માફિયાઓએ પાણીના વહેણમાં બનાવેલા ચીલામાં એક ડમ્પર ફસાયેલું મળી આવ્યું હતું. સ્થળ પર એક એસ્કેવેટર મશીનથી નદી કિનારે સાદી રેતીનું તાજું ખોદકામ થઈ રહ્યું હતું. આ ઉપરાંત 500 મીટર દૂર બે JCB મશીન પણ મળી આવ્યા.તપાસમાં જાણવા મળ્યું કે આ મશીનરી દ્વારા સાદી રેતી અને માટીનું ગેરકાયદે ખનન અને હેરાફેરી થઈ રહી હતી.
ભૂસ્તર તંત્રે કુલ 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ડમ્પર અને મશીનના માલિકો સામે ગુજરાત મિનરલ નિયમો-2017 હેઠળ દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભૂસ્તર તંત્ર દ્વારા ખનન થયેલા વિસ્તારની માપણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.