-
મોટાભાગની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી મોટી જાનહાનિની સંભાવના હતી પણ સદનસીબે ટળી
પાલનપુર શહેરમાં હાલમાં દિપાવલીના પર્વને લઇ ફટાકડા બજારમાં તેજી આવી છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ફટાકડાના સ્ટોલ અને લારીઓ જોવા મળી રહી છે ત્યારે પાલનપુર બજારમાં સ્ટોલ લગાવનાર વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટી સહિતના નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાથી મોટી જાનહાનિ બની શકે તેવી પુરેપુરી શક્યતા રહેલી છે. આજે પાલનપુર દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડા બજાર નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે દોડધામ મચી જવા પામી હતી આ બાબતે પાલનપુર ફાયર ફાઈટર વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
-
પાલનપુર શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર ફટાકડાની લારીઓ અને સ્ટોલ ખડકાયા, આગ લાગવાની ભિતી
-
લાયસન્સ અને ફાયર સેફ્ટી વગર ધમધમતી લારીઓ અને સ્ટોલ પર કાર્યવાહીમાં તંત્રની ઢીલી નીતિ
દિપાવલીના પર્વને હવે માત્ર ત્રણ દિવસ આડે છે ત્યારે પાલનપુરની બજારમાં ફટાકડાના વેચાણમાં ભારે વધારો થયો છે. ત્યારે શહેરમાં ચાલુ વર્ષે મોટાભાગના વેપારીઓને પરવાનગી આપવામાં ન આવી હોવા છતાં પણ ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ ધમધમી ઉઠ્યા છે બીજીતરફ વેપારીઓ દ્વારા સુરક્ષાને ધ્યાને લઇ ફટાકડાના વેચાણ સ્ટોલ પર જે પ્રકારે ફાયરસેફટીના સાધનો ની વ્યવસ્થા કરવાની હોય છે તે પ્રકારની વ્યવસ્થા મોટાભાગની દુકાનોમાં જોવા મળતી નથી જેને પગલે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. તેમ છતા પણ સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આવા વેપારીઓ સામે કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતાં અનેક સવાલો સર્જાઈ રહ્યા છે.