મહેસાણાના ચંદ્રાસણમાં દુષ્પ્રેરણના ગુનામાં આરોપી પતિને કોર્ટે 3 વર્ષ કેદની સજા અને રૃ.૫૫૦૦નો દંડ ફટકાર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— પાંચ વર્ષ અગાઉ કડીના ચંદ્રાસણમાં સાસરીયાના ત્રાસથી પરિણીતાએ એસિડ પી જતા મોત થયું હતું :

ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના ચંદ્રાસણમાં પાંચ વર્ષ અગાઉ સાસરીયાના ત્રાસથી કંટાળીને એસીડ પી જઈ પરણિતાએ મોતને વહાલુ કર્યું હતું.જેમાં દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલ તેણીના પતિને મહેસાણા સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૃ.૫૫૦૦ના દંડનો હુકમ કર્યો હતો.

કડીના ચંદ્રાસણ ગામમાં રહેતા રાજેશ ગાભાભાઈ સેનમાના લગ્ન નિતા સાથે થયા હતા. જોકે લગ્નના થોડા સમય પછી તેણીને ઘરકામ અને જમવા બનાવવાના મુદ્દે સાસરીયા દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો. જેમાં બે વાર રીસાઈને પિયર ગયા બાદ સમજાવટથી પરત ફરી હતી.

દરમિયાન ગત તા.૧૮-૭-૨૦૧૭ના રોજ રાત્રે જમવાનું મોળુ બનાવ્યું હોવાના મુદ્દે સાસુ અને સસરાએ તેણીના પતિને ચઢામણી કરતાં પરિણીતાને લાફા ઝીંકી દઈ લાકડી ફટકારી હતી. ત્યારબાદ તેણીને પોતાના  પિયર જવા દેવામાં નહીં આવતા છેવટે આ ઘટનાના બે દિવસ બાદ પરિણીતાએ ઘરમાં પડેલ એસીડના કેરબામાંથી એક ગ્લાસ એસીડ પી લીધું હતું.

જેથી ગંભીર હાલતમાં તેણીને સારવાર માટે સાણંદ લઈ જવાઈ હતી. જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.પોલીસે પતી સહિત ત્રણ સાસરીયા સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી તપાસ કરી હતી.આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ રીઝવાના બુખારી સામે હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ સંજય પટેલની દલીલોના આધારે આરોપી પતિ રાજેશ સેનમાને દોષિત ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ રૃ.૫૫૦૦ના દંડનો હુકમ કર્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.