ગત વર્ષે સરકારે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. સરકારે એક પરિપત્રમાં જણાવ્યું કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે,
જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજીયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.
મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ મુજબ નિયમ-૧૨૯ હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓનાં પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
1. સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજીયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.
2. આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
3. ઉક્ત વ્યવસ્થા માટે, જરુર જણાય તો, પોલીસ ખાતા/સલામતી દળના કર્મચારીઓની સેવા મેળવી શકાશે.
ડીજીપી વિકાસ સહાયે આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું કે, ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ, રાજ્યના જવાબદાર નાગરિકો તરીકે, તમે બધા અન્ય લોકો માટે આદર્શ બનવાની અપેક્ષા રાખીએ છીએ. જો તમે બધા આજે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, ખાસ કરીને હેલ્મેટ પહેરવાની પ્રતિજ્ઞા લેશો તો હું તેની પ્રશંસા કરીશ. તમામ પોલીસ એકમોને આવતીકાલથી તેનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. કૃપા કરીને સહકાર આપો. જય હિન્દ.
ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. દરેક સરકારી કચેરીઓ પર આવતીકાલથી પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવશે. DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો છે.